જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયાએ જૂનાગઢ ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જન આરોગ્યના રક્ષણ અને જમીનની તંદુરસ્તી માટે આવશ્યક પ્રાકૃતિક ખેતી અપનાવવા, ખેતીને માત્ર પરંપરાગત રીતે નહીં પણ એક વ્યવસાયિક ધોરણે એક વેપારીની જેમ ખેતી કરવા ઉપરાંત નવા પ્રયોગો સાથે પરંપરાગત ખેત પાકોની જગ્યાએ નવીન પાકોના વાવેતર કરવા માટે આહવાન કર્યું હતું. વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહ ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ તજજ્ઞોએ દ્વારા સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેત પેદાશોના મૂલ્ય વર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા, કૃષિ અને બાગાયતો પાકોમાં આધુનિક તાંત્રિકતા સહિતના વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ જુદા જુદા કૃષિ લક્ષી સ્ટોલ દ્વારા આધુનિક ખેતી પદ્ધતિનું પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા ખાતે રાજ્યકક્ષાના કૃષિ મહોત્સવમાં સહભાગી થતા ખેડૂતોને સંબોધન કર્યું હતું. તેને પણ અહીં મહાનુભાવો અને ખેડૂતોએ નિહાળ્યું હતું. ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયાએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવના માધ્યમથી ખેડૂતોને જાગૃત કરવાનું કામ થઈ રહ્યું છે. આ કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ, ખેતી ક્ષેત્રની નવીન ટેકનોલોજી સહિતની ખેતી ક્ષેત્રની જાણકારી મળી રહે છે. તેમણે કહ્યું કે, ખેડૂતોએ પણ પરિવર્તન સાથે તાલ મિલાવવા આવશ્યક છે. ખેડૂતોએ આધુનિક કૃષિ પદ્ધતિ અપનાવવાની સાથે ખેતીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત ખેડૂતોએ પણ ખેતી ક્ષેત્રે સતત નવું શીખવાની ભાવના સાથે કૃષિમાં નવીન પાકોનું વાવેતર કરવું જોઈએ.
ધારાસભ્યશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવાનો અનુરોધ કરતા કહ્યું કે, રાસાયણિક ખેતીથી આરોગ્ય સામે જોખમ ઊભા થયા છે. ત્યારે ખાસ આવનારી પેઢીને સ્વાસ્થ્ય અને ફળદ્રુપ જમીન આપવા માટે પણ પ્રાકૃતિક ખેતી આવશ્યક છે. આમ, બાળકો માટે પણ પ્રાકૃતિક ખેતી આવકારદાયક છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, એક ગાયથી ૨૫ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. ગાયના છાણ અને ગૌમૂત્ર પ્રાકૃતિક ખેતીમાં અનિવાર્ય છે. જેથી ગાયોનું જતન સંવર્ધન પણ થશે. ધારાસભ્યશ્રીએ કહ્યું કે, ખેતીની અને પશુપાલન પરસ્પર જોડાયેલા છે. જેમાં નારી શક્તિનું મહત્વનું યોગદાન રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ પણ બહેનોને સતત આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ઉપરાંત ખેડૂતની સમૃદ્ધિથી જ દેશ સમૃદ્ધ બનશે. તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી વી.પી. ચોવટીયાએ જણાવ્યું કે, ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર પૂર્ણ કર્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ રવિ કૃષિ મહોત્સવ ખૂબ ઉપયોગી બની રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, ધરતીકંપથી જમીનના પેટાળના વલયોમાં બદલાવ આવવાથી ભૂગર્ભ તળમાં ખૂબ મોટા બદલાવો આવ્યા છે. ખાસ કરીને જેનાથી પાણીમાં ક્ષારનું પ્રમાણ વધ્યું છે.
આ ક્ષારયુક્ત પાણીથી જમીનની ફળદ્રુપતાને પણ અસર થઈ રહી છે. જમીનના સખત બની છે. ત્યારે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા ખેડૂતોએ જમીનમાં સેન્દ્રીય તત્વો વધારવા માટે દેશી ખાતરનો ઉપયોગ કરવો જરૂરી બને છે. તેમણે જમીનને કુદરતની બક્ષિસ ગણાવતા તેના જતન માટે જરૂરી કાળજી લેવા માટે પણ ખેડૂતોને અનુરોધ કર્યો હતો. ઉપરાંત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ આધુનિક ટેકનોલોજીનો લાભ લેવા પણ ખેડૂતોને અનુરોધ કર્યો હતો. રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ડ્રેગન ફ્રુટનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વાવેતર કરનાર શ્રી અમિતભાઈ ગોંડલીયા અને ઔષધીય છોડની પ્રાકૃતિક ખેતી કરનાર શ્રી પ્રવીણભાઈ લુણાગરિયાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રતિકાત્મક રીતે તાર ફેન્સીંગ, મોબાઇલ શ્રેડર વગેરેની સહાયના પેમેન્ટ ઓર્ડર મહાનુભાવના હસ્તે ખેડૂતોને આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ઠુંમર, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક આર.બી. માદરીયા વિસ્તરણ નિયામક એન.બી. જાદવ, રવિ કૃષિ મહોત્સવના નોડલ અધિકારી શ્રી એસ.એમ ગધેસરિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા સહિતના પદાધિકારી – અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ તજજ્ઞોની સાથે પ્રગતિશીલ ખેડૂત શ્રી હિતેશભાઈ દોમડીયા અને વજુભાઈ મકવાણાએ પણ કૃષિ ક્ષેત્રના અનુભવો વ્યક્ત કર્યા હતા. ખેતીવાડી અધિકારી શ્રી યશ પાનસુરીયાએ એગ્રી સ્ટેક અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રી માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે શાબ્દિક સ્વાગત તાલુકા વિકાસ અધિકારી શ્રી રાજેન્દ્ર ઠાકોરે કર્યું હતું.આ કાર્યક્રમનું સંચાલન મદદનીશ ખેતી નિયામક શ્રી નિશાંત ચૌહાણે કર્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)