જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી.

ભારત સરકારના આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ દસમો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસAyurveda for People and Planet” વિષય સાથે આજે સમગ્ર દેશમાં ઉજવાયો હતો. તેના ભાગરૂપે જિલ્લા પંચાયત, જૂનાગઢની આયુર્વેદ શાખા અને જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત ભગવાન ધન્વન્તરીના પૂજનથી કરવામાં આવી. આરોગ્ય અને ઔષધિના દેવતા ગણાતા ભગવાન ધન્વન્તરીના આશીર્વાદ સાથે લોકકલ્યાણ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પ્રસંગે શહેરના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, અધિક નિવાસી કલેક્ટર સુશ્રી ભાવનાબેન બારડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પાનેરા, જનરલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ કોલેજના એડીશનલ ડીન ડૉ. દિનેશ પરમાર, સિવિલ સર્જન ડૉ. પાલા લાખનોત્રા, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ચંદ્રેશ વ્યાસ તથા જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. છાંયાબેન ડેર સહિત તબીબી જગતના અગ્રણીઓ, શિક્ષકો, ડૉક્ટરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં મહેમાનોના સન્માન માટે “આયુષ કીટ” આપવામાં આવી, જેમાં દૈનિક જીવનમાં અપનાવી શકાય તેવી સરળ અને અસરકારક આયુર્વેદીય પદ્ધતિઓને સમાવવા આવી હતી. તેમજ “આયુર્વેદની એબીસીડી”, “આયુર્વેદનો કક્કો” અને “૩૦ સુટેવો” જેવા શૈક્ષણિક પોસ્ટર તથા બાળકોમાં આરોગ્ય જાગૃતિ લાવવાના હેતુસર સામગ્રીનું વિમોચન કરવામાં આવ્યું.

મહિલા આરોગ્ય જાગૃતિ માટે સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલા “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત “સખી – સ્ત્રી આરોગ્ય અંગે આયુર્વેદીય માર્ગદર્શિકા” નામની ઇ-પુસ્તિકા પણ પ્રકાશિત કરાઈ, જેમાં માસિક ધર્મથી માંડીને ગર્ભાવસ્થા અને મેનોપોઝ સુધીના તમામ તબક્કામાં સ્ત્રીઓ માટે આરોગ્ય માર્ગદર્શન સામેલ છે.

ઉલ્લેખનીય છે કે હાલ જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આયુષ ઓપીડી (રૂમ નં. ૧૦૬) કાર્યરત છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. સાથે જ પંચકર્મ, હોમિયોપથી અને યોગની સેવાઓ પણ ઉપલબ્ધ છે. આજે આ જ કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં સૌપ્રથમવાર “આયુષ વીંગ” શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી, જેને ભારત સરકારના નેશનલ આયુષ મિશન હેઠળ આર્થિક સહાય મળવાની છે. આથી જૂનાગઢની જનરલ હોસ્પિટલમાં આયુર્વેદ સેવાઓ વધુ ગુણવત્તાસભર બનશે.

કાર્યક્રમ દરમ્યાન આયુર્વેદ વિષયક પ્રદર્શની તથા **“મહિલા પ્રકૃતિ પરિક્ષણ કેમ્પ”**નું આયોજન કરવામાં આવ્યું. અંદાજે ૬૦૦થી વધુ લોકોએ પ્રદર્શનીનો લાભ લીધો હતો, જ્યારે ૭૨ બહેનોના પ્રકૃતિ પરીક્ષણ કરાઈને તેમને આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ શરદ ઋતુને અનુરૂપ પિત્તશામક પાનક પીરસવામાં આવ્યું, જેનો ૩૦૦થી વધુ લોકોએ સ્વાદ લીધો.

મુખ્ય અતિથી સંજયભાઈ કોરડિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આયુર્વેદ એ ભારતીય પરંપરાનો અમૂલ્ય ખજાનો છે. “સ્વદેશી વસ્તુઓ” સાથે “સ્વદેશી શાસ્ત્ર” આયુર્વેદને પ્રયોગમાં લાવીને સ્વાસ્થ્ય સુધારવા સૌને અપીલ કરી હતી. સાથે જ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવા બદલ આયુર્વેદ શાખા અને જનરલ હોસ્પિટલની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.


અહેવાલ : જગદીશ યાદવ, જૂનાગઢ