શહેરના માગનાથ રોડ ઉપર આવેલ માંગનાથ મહાદેવ મંદિર પરિસરમાં સ્થિત શ્રી હીરાગર માતાજીનું પ્રાચીન મંદિર આજથી ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર, નવરાત્રી મહોત્સવ દરમિયાન ખોલવામાં આવે છે, જેના કારણે આજે મંદિર ખુલતાં જ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
પ્રથમ નોરતા દિવસે મંદિર ખાતે પરંપરાગત વિધિ અનુસાર ઉર્જામય ઘટ સ્થાપન કરવામાં આવ્યું. આ પ્રસંગે અનેક માઈભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો. મંદિર પરિસરમાં સજાવટ સાથે ભક્તિમય માહોલ છવાયો હતો.
શ્રી હીરાગર માતાજીનું મંદિર પ્રાચીન ધાર્મિક મહત્વ ધરાવે છે અને દર વર્ષે માત્ર નવરાત્રી દરમ્યાન જ ખુલતું હોવાથી અહીં આવતા દર્શનાર્થીઓની સંખ્યા નોંધપાત્ર રહે છે. આ અવસરે હાજર રહેલા ભક્તોએ માતાજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી અને કુટુંબ તથા સમાજના કલ્યાણ માટે પ્રાર્થનાઓ અર્પણ કરી હતી.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ