ગણેશોત્સવના પાવન અવસર પર સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ, જૂનાગઢ દ્વારા ભવનાથ રોડ સ્થિત ગાયત્રી મંદિર ખાતે બાળકો માટે વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનો પ્રારંભ ભગવાન ગણપતિ દાદાની સ્તુતિ અને દીપ પ્રાગટ્યથી થયો હતો. આ અવસરે ભારતી આશ્રમના મહંત શ્રીશ્રી ૧૦૦૮ મહાદેવ ભારતી બાપુ, ગાયત્રી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નાગભાઈ વાળા, જલારામ ભક્તિ ધામના ટ્રસ્ટી પી.બી. ઉનડકટ, બ્રહ્માકુમારી ભાવનાબેન, વિવિધ આગેવાનો તેમજ ડૉક્ટરો, શિક્ષણવિદો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ બાળકોને સંસ્કારસભર પ્રવૃત્તિઓમાં જોડાવા અનુરોધ કર્યો.
સવારના ૯:૩૦ થી બપોરના ૪:૦૦ સુધી યોજાયેલી આ સ્પર્ધાઓમાં કુલ ૨૯૨ બાળકો જોડાયા હતા. તેમાં દેડકા દોડ (૪૨), જનરલ નોલેજ – ધાર્મિક પ્રશ્નો (૨૦), માટીમાં ગણપતિ બનાવવાની (૨૮), સંગીત ખુરશી (૪૯), લીંબુ-ચમચી (૫૭) અને ચેસ (૯૬) જેવી રસપ્રદ સ્પર્ધાઓ યોજાઈ.
વિજેતાઓને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા તેમજ તમામ ભાગ લેનાર બાળકોને ગિરનારી ગ્રુપ તરફથી પ્રમાણપત્ર અને આકર્ષક ગિફ્ટ આપવામાં આવ્યા. સાથે જ શ્રોતાઓ અને પરિવારજનો માટે સૂકા નાસ્તા, ચા અને શરબતની સુવિધા રાખવામાં આવી હતી, જ્યારે બપોરે સૌને પ્રસાદરૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.
કાર્યક્રમને સફળ બનાવવા સમીરભાઈ દવે, નરેન્દ્રસિંહ ચુડાસમા, દિનેશભાઈ રામાણી, દેવાંગભાઈ પંડ્યા સહિત ગિરનારી ગ્રુપની ટીમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. ગિરનારી ગ્રુપ દ્વારા આયોજિત આવા ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કાર અને સકારાત્મકતાના સંદેશના પ્રસારનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ