જૂનાગઢ જિલ્લાનાં ભારે વરસાદ પ્રભાવિત વિસ્તારમાં રોગચાળો અટકાવવા આરોગ્ય વિષયક કામગીરી વેગવંતી.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં તમામ તાલુકામાં વ્યાપક રીતે વરસાદ નોંધાયો છે. વરસાદનાં કારણે જૂનાગઢ જિલ્લાની પોપટડી, મહિયારી, ધ્રાફડ, ઓઝત, ગુડાજલી, ઉબેણ, સોનરખ, મધુવંતી, ઉતાવળી, સહિત વિવિધ નદીઓમાં વરસાદી નીર વહેતા થયા હતા. સાથે સાથે ગ્રામ અને શહેરમાં વરસાદથી રોડ રસ્તાઓ પર પાણી એકત્રીત થવાનાં બનાવો સંદર્ભે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પાણી ભરાવનાં કે નદીનાં પાણી ફેલાવાનાં જ્યાં બનાવ બન્યા છે તેવા વિસ્તારોમાં રોગચાળો અટકાવવા આરોગ્ય વિષયક કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વરસાદી માહોલમાં ઘણાં વિસ્તારોમાં પાણી ભરાવાથી અનેક જગ્યાએ કચરા અને કાદવ હોવાની જાણ થતા જ આવા વિસ્તારોમાં પાણી ઓસરતાની સાથે જ વહીવટીતંત્રના માર્ગદર્શનમાં જૂનાગઢ મહાનગરપાલીકા, જૂનાગઢ જિલ્લાની સાતેય નગરપાલિકા અને અન્ય ગ્રામ પંચાયતો દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે.

નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની ટીમ દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય તંત્ર દ્વારા વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. રોગચાળો ન ફેલાય તે માટે પીવાના પાણીનું ક્લોરીનેશન તેમજ ટેબ્લેટ ક્લોરીનનું વિતરણ સાથે લોકોને મચ્છરજન્ય રોગો સામે રક્ષણ અને પાણી ઉકાળીને પીવા જાગૃત કરવામાં આવી રહ્યા છે. રોગચાળો ન ફેલાય અને સ્વચ્છતા જાળવવા સ્વીપિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાફસફાઈ કર્યા બાદ આ વિસ્તારોમાં રોગચાળો ન વકરે તે માટે મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા જંતુનાશક પાવડર અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)