જૂનાગઢ,તા.૧૯ જૂનાગઢ જિલ્લાના આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રો માં વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સાથે જ લોકોમાં હાઇપર ટેન્શન અંગે જાગૃતિ આવે એ માટે તા.૧૭ મે થી આગામી તારીખ ૧૬ જુન સુધી જૂનાગઢ જિલ્લામાં જનજાગૃતિ માટેની વિવિધ પ્રવૃતીઓ યોજવામાં આવનાર છે. વિશ્વ હાયપરટેન્શન દિવસ નિમિતે જૂનાગઢ જિલ્લાના કેશોદના બાલાગામ ખાતે યોજાયેલ, સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ખાસ NCD સ્ક્રીનીંગ કેમ્પ અને જનજાગૃતિ કેમ્પ યોજાયો હતો.જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. જિલ્લાના તમામ આયુષ્યમાંન આરોગ્ય કેન્દ્ર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , સામૂહિક આરોગ્ય કેન્દ્ર , સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ ખાતે વિશ્વ હાઇપર ટેન્શન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષે ૧૭ મેના રોજ વિશ્વ હાઇપરટેન્શન દિવસ ઉજવવામાં આવે છે. જેથી લોકોમાં હાઈબ્લડ પ્રેશરના જોખમો વિશે જાગૃતિ આવે અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળે.વર્ષ ૨૦૨૫ વિશ્વ હાઇપરટેન્શન દિવસ ની થીમ તમારા બ્લડ પ્રેશરને સચોટ રીતે માપો, તેને નિયંત્રિત કરો, લાંબા સમય સુધી જીવો થીમ છે. વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના કેન્દ્રો ઉપર ગ્રામજનોને યોગાથી થતા ફાયદા અંગે માહીતગાર કર્યા હતા. સાથે જ એનસીડી સ્ક્રીનીંગ અને હાઈપરટેન્શન થી થનારા સંભવિત રોગો તેનાથી શરીરને શું નુકસાન થાય અને તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે લોકોને માર્ગદર્શન આપી જાગૃત કરાયા હતા.આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા મેદસ્વિતા અટકાવવા જરૂરી માર્ગદર્શન પણ પુરુ પાડવામાં આવ્યુ હતુ.
વિશ્વ હાઇપરટેન્શન દિવસની સ્થાપના ૨૦૦૫ માં વર્લ્ડ હાઇપરટેન્શન લીગ (WHL) દ્વારા કરવામાં આવી હતી, જે એક બિન- સરકારી સંસ્થા છે જે હાઈ બ્લડ પ્રેશર દ્વારા ઉદ્ભવતા વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટને સંબોધવા માટે સમર્પિત છે. WHL એ હાઇપરટેન્શન અને તેના સંભવિત ગંભીર પરિણામો વિશે જાહેર જાગૃતિ લાવવા માટે આ પહેલ શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય વિશ્વભરમાં આ સ્થિતિની વહેલી તપાસ, નિવારણ અને વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવાનો છે.આ સ્થિતિના વધતા મહત્વને કારણે આ દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે, અને વધતી જતી સંખ્યામાં સરકારો, બિન- લાભકારી સંસ્થાઓ અને આરોગ્ય સંસ્થા ઓ બ્લડ પ્રેશર વ્યવસ્થાપનના મહત્વ પર ભાર મૂકવાના પ્રયાસમાં જોડાઈ રહી છે.
હાયપરટેન્શનને ક્યારેક “સાયલન્ટ કિલર” કહેવામાં આવે છે કારણ કે તે સામાન્ય રીતે હૃદય, કિડની અથવા મગજને ગંભીર નુકસાન ન થાય ત્યાં સુધી દેખાતું નથી. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) નો અંદાજ છે કે વિશ્વભર માં ૧.૧૩ અબજ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. એમ જૂનાગઢ જિલ્લા પંચાયત એનસીડી સેલ આરોગ્ય શાખાની એક યાદીમાં જણાવામાં આવ્યુ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ