જૂનાગઢ જિલ્લામાં હાલ પ્રવર્તમાન હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને જ્યાં વરસાદ ખેંચાયેલો હોય તેવા વિસ્તારોમાં ખેડૂતોને પાક સંરક્ષણ અને ભેજ જાળવણી માટે અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી દ્વારા આપવામાં આવેલી આ માર્ગદર્શિકા અનુસાર, ખેડૂતોને નીચે મુજબના પગલાં અમલમાં મૂકવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સૌ પ્રથમ, પ્રવર્તમાન ઉભા પાકમાં ભેજ જાળવી રાખવા માટે આંતરખેડ કરવી જોઈએ. પાકને નિંદામણ મુક્ત રાખવું જરૂરી છે જેથી પાકમાં ભેજ અને પોષક તત્ત્વો માટે અનાવશ્યક હરીફાઈ ન થાય. કપાસના પાકમાં પાળા ચડાવવાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચવાયું છે.
શાકભાજીના ઉત્પાદન આપતા પાકોને હળવું પિયત આપવું જોઈએ, પરંતુ ભેજની અછત હોવા છતાં કોઈપણ પ્રકારના ખાતરનો છંટકાવ ટાળવો. ખાસ કરીને, જમીનમાં ભેજની ખેંચ વધી હોય ત્યારે કેઓલીન (Kaolin) 400 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીના મિશ્રણનો છંટકાવ કરવો, જેથી પાકમાં બાસ્પોત્સર્જન ઘટે અને ભેજ વધુ સમય સુધી ટકી રહે.
ઉભા પાકમાં ભેજ જાળવવા માટે ઘઉંના કુંવર, મગફળીની ફોતરી તથા અન્ય આડપેદાશોનું આવરણ કરવું સૂચવાયું છે. વરસાદના અભાવે જ્યાં જમીનમાં ભેજ ઘટી ગઈ હોય, ત્યાં ટપક સિંચાઈ અથવા ફુવારા પદ્ધતિથી હળવું પિયત આપવા પર ભાર મૂકાયો છે. રેલાવીને પિયત આપતી વખતે કપાસના પાકમાં એકાંતરે પાટલે પિયત આપવું અનિવાર્ય છે.
કૃષિ વિભાગે ખેડૂતોને આ માર્ગદર્શિકા અનુસરવા અનુરોધ કર્યો છે જેથી પાકને નુકસાનથી બચાવી શકાય અને ઉત્પાદન ઘટે નહિ.
વધુ માહિતી માટે, ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા નાયબ બાગાયત નિયામક, જૂનાગઢનો સંપર્ક કરી શકે છે. તેમજ નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટર – ટોલ ફ્રી નંબર 1800-180-1551 પર પણ સંપર્ક કરી શકે છે.
અહેવાલ: નરેન્દ્ર દવે
સાથે: જગદીશ યાદવ, જૂનાગઢ