જૂનાગઢ જિલ્લાના નાગરિકોને સિવિલ ડિફેન્સમાં જોડાઈ રાષ્ટ્રસેવા કરવાની તક

જૂનાગઢ, તા. ૧૬ મે:
ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ઓપરેશન સિંદૂર પછી વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ભારત સરકાર દેશભરના નાગરિકોની સુરક્ષા માટે સજ્જ રહેવા કટિબદ્ધ છે. આ દ્રષ્ટિએ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાયેલ My Bharat પોર્ટલ મારફતે નાગરિક સંરક્ષણ માટે સ્વયંસેવક દળ બનાવવા માટે પહેલ કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લાની નાગરિકો હવે ૧૭ મે થી ૨૦ મે સુધી પોતાની નજીકની તાલુકા પોલીસ સ્ટેશન પર અથવા ઓનલાઇન My Bharat પોર્ટલ (https://mybharat.gov.in) દ્વારા સરળતાથી નાગરિક સંરક્ષણ સેવામાં સ્વયંસેવક તરીકે નોંધણી કરી શકે છે.

જૂનાગઢ જિલ્લાની કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા નાગરિકો માટે અપીલ કરવામાં આવી છે કે, રાષ્ટ્રીય સુરક્ષા અને આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક રાહત, બચાવ, પ્રાથમિક સારવાર, ટ્રાફિક નિયમન અને જાહેર સલામતીમાં મદદરૂપ થવા માટે વધુથી વધુ નાગરિકો સ્વયંસેવક તરીકે જોડાઈએ.

નોધણી કરાવનારા નાગરિકોને આવનાર સમયમાં તાલીમ આપવામાં આવશે, જેમાં આપત્તિ કાળની કામગીરી, ભીડ વ્યવસ્થાપન અને અન્ય સુરક્ષા સંબંધિત તાલીમનો સમાવેશ રહેશે.

પાત્રતા:

  • ભારતના નાગરિક હોવા જોઈએ
  • ઓછામાં ઓછું ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ હોવી જોઈએ
  • ઓછામાં ઓછું ૪ ધોરણ પાસ હોવું જોઈએ
  • પુરુષ અને સ્ત્રીઓ બંને માટે ખુલ્લું
  • નિવૃત સૈનિકો, એનસીસી, એનએસએસ, આપદા મિત્ર અને સિક્યુરિટી સર્વિસના પૂર્વ સભ્યોને પ્રાથમિકતા

જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા અધ્યક્ષસ્થાને આવી કાર્યક્રમે વધુથી વધુ નાગરિકોનો સમાવેશ કરાવવા સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી રહી છે.

આ પહેલ વડે નાગરિકો રાષ્ટ્રસેવામાં સહભાગી બની દેશની સુરક્ષામાં યોગદાન આપી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ