રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ બાગાયત વિભાગે વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેડૂતોને સહાયરૂપ થતી વિવિધ યોજનાઓ જાહેર કરી છે. આ યોજનાઓનો હેતુ બાગાયતી પાકોની ઉત્પાદકતા વધારવો, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવું તથા આધુનિક તકનીકોનો લાભ ખેડૂત સુધી પહોંચાડવાનો છે.
આ યોજનાઓ અંતર્ગત શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન, સરગવાની ખેતી, આંબા-જામફળની ઉત્પાદકતા વધારો, જૂના બગીચાનો નવસર્જન, કમલમ (ડ્રેગનફ્રુટ) વાવેતર, કેળ (ટીસ્યુ), પપૈયા, ખારેક તથા દાડમ જેવા ફળપાકોમાં સહાય, તેમજ ફ્રુટ કવર, ક્રોપ કવર, પ્લાન્ટિંગ મટીરીયલ, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ, મૂલ્યવર્ધન માટે પ્રોસેસીંગ યુનિટ, ફાર્મ ગેટ પેકહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, સોલર ક્રોપ ડ્રાયર જેવી અદ્યતન સુવિધાઓ માટે સહાય મળશે.
આ યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ (http://ikhedut.gujarat.gov.in) ઉપર જઈને આગામી તા. ૦૧/૦૯/૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે અને અરજી કન્ફર્મ કર્યા બાદ તેની નકલ ખેડૂતોએ પોતાની પાસે રાખવી જરૂરી રહેશે.
યોજનાની મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમિશન સમયે અરજીની નકલ સાથે સહીવાળા દસ્તાવેજો તથા જરૂરી સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામક કચેરી, સરદાર બાગ પાસે, નીલમ બાગ, લઘુ કૃષિ ભવન, જૂનાગઢ ખાતે તાત્કાલિક ધોરણે જમા કરાવવા રહેશે.
વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર ૦૨૮૫-૨૬૩૫૦૧૯ પર સંપર્ક કરી શકાય છે, તેમ નાયબ બાગાયત નિયામક, જૂનાગઢ દ્વારા જણાવાયું છે.
🖊️ અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ