જૂનાગઢ જિલ્લાના માણાવદર ખાતે આવતીકાલે યોજાશે જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ.

જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ આવતીકાલે તા. ૪ સપ્ટેમ્બરના રોજ માણાવદર ખાતે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ ડી.ડી. વડાલીયા સાયન્સ સ્કૂલના પરિસરમાં સવારે ૧૦ વાગ્યે યોજાશે.

આ સમારોહમાં જિલ્લા તેમજ રાજ્યના અગ્રણીઓ ઉપસ્થિત રહી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપશે. કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમ્મર અધ્યક્ષસ્થાને રહેશે. મુખ્ય મહેમાનો તરીકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્યો અરવિંદભાઈ લાડાણી, સંજયભાઈ કોરડીયા, ભગવાનજીભાઈ કરગઠીયા, દેવાભાઈ માલમ અને ગોપાલભાઈ ઇટાલીયા હાજરી આપશે.

સાથે સાથે જુનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, સાસણ વન્યપ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. મોહનરામ, જુનાગઢ રેંજના આઈજી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સહિત વહીવટી તથા પોલીસ તંત્રના અધિકારીઓ કાર્યક્રમમાં જોડાશે.

આ વન મહોત્સવમાં લાયન્સ ક્લબ ઓફ જુનાગઢના પ્રમુખ વિજયકુમાર પટેલ, લાયન્સ ક્લબ ઓફ માણાવદરના પ્રમુખ નરેન્દ્રકુમાર સવસાણી, સ્થાનિક સ્વયંસેવક સંસ્થાઓ અને મોટી સંખ્યામાં ગામડાંના નાગરિકો પણ હાજરી આપશે.

આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, ગામલોકો તથા સ્થાનિક સંગઠનોની સક્રિય ભાગીદારી રહેશે. વૃક્ષારોપણ સાથે જ વન વિભાગ દ્વારા પર્યાવરણ જાળવણી અને જંગલોનું સંવર્ધન કેવી રીતે કરવું તેની માહિતગાર પ્રવૃત્તિઓ પણ યોજાશે.

76મા વન મહોત્સવનો મુખ્ય હેતુ જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના પેદા કરવી, હરિયાળી વધારવી અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવું છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અભિયાનથી જૂનાગઢ જિલ્લાના ગામડાંઓમાં હરિયાળીનું પ્રમાણ વધશે અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન મળશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ