જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પ્રભાવશાળી આરોગ્ય સેવા!

જૂનાગઢ, તા. 2: ગુજરાત રાજ્યમાં આરોગ્ય સેવાની પ્રગતિ અને લોકો સુધી આરોગ્યલક્ષી સુવિધાઓ પહોંચાડવા માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ખાસ કરીને ગામડાંના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રોની કામગીરી વધુ અસરકારક બની રહી છે. તેવા જ એક ઉત્તમ ઉદાહરણરૂપ ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) જિલ્‍લામાં આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં અગ્રેસર રહ્યું છે.

ગ્રામ્ય વિસ્તાર માટે શ્રેષ્ઠ આરોગ્ય સેવા:

ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા બે વર્ષથી જિલ્લાની સૌથી વધુ સફળ ડીલીવરીઓ માટે જાણીતું બન્યું છે. સામાન્ય રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડે-કેર સુવિધા હોય છે, પરંતુ ગડુ આરોગ્ય કેન્દ્રનો તબીબી સ્ટાફ 24*7 ઇમરજન્સી સારવાર માટે સજ્જ રહે છે. અહીં હોસ્પિટલની સુવિધાઓ તેમજ તબીબી સહાય માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સતત કાર્યરત રહે છે.

મેડિકલ ઓફિસર અને સ્ટાફની અવિરત સેવા:

ગડુ આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ૧૨ વર્ષથી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. ભાવિષા નિમાવતે જણાવ્યું કે, “આ આરોગ્ય કેન્દ્ર ૧૨ ગામડાઓને આવરી લે છે અને આશરે ૨૮ હજારની વસ્તીને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહ્યું છે.” આરોગ્ય કેન્દ્રમાં ૬ મહિલા આરોગ્ય કર્મચારીઓ, ૬ પુરુષ આરોગ્ય કર્મચારીઓ, ૪ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), ૧ ફાર્માસિસ્ટ અને ૧ લેબ ટેકનિશિયન કામગીરી બજાવી રહ્યા છે.

વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪માં નોંધપાત્ર સિદ્ધિઓ:

ગડુ આરોગ્ય કેન્દ્ર દ્વારા ૨૦૨૩માં ૬૫ અને ૨૦૨૪માં ૬૦થી વધુ સફળ ડીલીવરીઓ કરવામાં આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે પ્રસૂતિઓ વધુ થઈ છે. આ આરોગ્ય કેન્દ્રે ડે-કેર સુવિધા હોવા છતાં ૨૪ કલાક ડોક્ટર્સ અને તબીબી સ્ટાફ ઉપલબ્ધ રાખીને પ્રશંસનીય કામગીરી કરી છે.

સંપૂર્ણ આરોગ્ય સુવિધાઓ:

તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ડાભીએ જણાવ્યું કે, “ગડુ આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક સારવાર ઉપરાંત મેલેરિયા, ટીબી અને અન્ય રોગોની સારવાર માટે પણ અગ્રેસર છે.” માળીયાહાટી તાલુકાના ૬૮ ગામોમાંથી ૫૯ ગામ હવે ટીબી-મુક્ત બની ગયા છે. ગડુ આરોગ્ય કેન્દ્રમાં દરરોજ આશરે ૭૦ જેટલી ઓપીડી થાય છે અને દર મહિને ૨૬ આશા બહેનો સગર્ભા સ્ત્રીઓ માટે ફોલોઅપ કરતી રહે છે.

NQAS પ્રમાણિત આયુષ્યમાન આરોગ્ય મંદિર:

સરકારના ધારા-ધોરણો મુજબ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ, દવાઓ, સ્ટાફની કામગીરી, દર્દીઓનો સંતોષ અને આરોગ્ય સેવા સહિતની બાબતોને ધ્યાને રાખી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એસેસમેન્ટ કરાવવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં ગડુ આરોગ્ય મંદિર પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણિત આરોગ્ય કેન્દ્ર બન્યું છે, જેમાં કડાયા અને ગડુ-૨ આરોગ્ય મંદિરનો પણ સમાવેશ થાય છે.

જિલ્લા કક્ષાએ આરોગ્ય સેવા માટે પ્રેરણાદાયી કાર્ય:

જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવા માટે સતત સમીક્ષા હાથ ધરતા રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન અને મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. સાલ્વી દ્વારા આરોગ્ય સેવાઓની દેખરેખ કરવામાં આવી રહી છે.

ઉપસાર:

ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમગ્ર જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ માટે અનોખું ઉદાહરણ પુરું પાડે છે. અહીં કાર્યરત તબીબી સ્ટાફ અને આરોગ્ય વિભાગ દ્વારા અપાતી સેવાઓને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુખાકારીનો વિસ્તાર થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ અને સરકારના અથાગ પ્રયાસો ફળશ્રૂતિરૂપ ગડુ આરોગ્ય કેન્દ્ર આજે એક પ્રમાણિત આરોગ્ય સેવા કેન્દ્ર બની ગયું છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.