જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ- સફાઈ કર્મચારીઓનું પ્રમાણપત્ર અર્પણ કરી થયુ બહુમાન.

જૂનાગઢ

‘સ્વચ્છતા હી સેવા’ રાજ્ય વ્યાપી સ્વચ્છતા અભિયાન ના પ્રારંભના ભાગરૂપે આજે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા અને અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો હતો. સાથે સાથે મેંદરડા તાલુકાના સફાઈ કામદારોના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને મહાનગરપાલિકા નગરપાલિકાઓના સંકલનથી શહેરી વિસ્તારોમાં હેરિટેજ, પ્રવાસન, તીર્થ સ્થળો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો એ એક વિશેષ અભિયાનના ભાગરૂપે જન ભાગીદારી-જન જાગૃતિ સાથે કાયમ સ્વચ્છતા રહે તેવા ઉદ્દેશ સાથે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાન, ડી.આર.ડી.એ નિયામકશ્રી પી.એ. જાડેજા મેંદરડા પ્રાંત હિરલ ભાલાળા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપરાંત કોલેજના પ્રાઘ્યાપકો, વિદ્યાર્થીઓ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અગ્રણીઓએ પ્રતિક રૂપ સફાઈ શરૂ કરી સૌને પ્રેરણા આપી હતી.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરે જણાવ્યુ કે પ્રકૃતિ આપણને આપણી માતા સમાન હંમેશા બધું આપે જ છે. ‘‘પહેલું સુખ, તે જાતે નર્યા’’’ માટે માત્ર આપણું ઘર કે આંગણું જ નહીં આપણું ગામ પણ સ્વચ્છ રાખવું જરૂરી છે.ગામ ગોકુળિયું ત્યારે જ બને જ્યારે સૌના સહકાર મળે. સૌના સાથ સાથે સ્વચ્છ ગામ અને સ્વચ્છ સમાજ બનશે. સ્વચ્છતા માત્ર દરેક સરકારી યોજના જ નહીં પરંતુ નાગરિકોની જીવનશૈલીમાં પણ પાયાનો સિદ્ધાંત બની ગયો છે.

કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ તેમના વક્તવ્યમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની શુભેચ્છા પાઠવી જણાવ્યુ હતુ કે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આપણે સૌએ જનભાગીદારી સાથે આપણું ફળિયું, ગામ, આંગણવાડી, શાળા તેમજ જાહેર જગ્યા તેમજ તાલુકા અને જિલ્લાને સ્વચ્છ બનાવીએ. ભારત સરકારશ્રી દ્વારા ૦૨, ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી માટે આહ્વાન કરવામાં આવેલું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા.૨ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” પખવાડિયા યોજવામાં આવશે. જે અન્વયે રાજ્ય સરકારશ્રી દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ની કામગીરી અને પ્રાધાન્યતાને ધ્યાને લઈને સમગ્ર રાજ્યમાં ‘ સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ ‘ અભિયાનને તા.૧૭/૦૯/૨૦૨૪ થી તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી લંબાવી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે

મેંદરડા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓને પ્રમાણપત્રો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતા. તેમજ સમગ્ર વર્ષ દરમિયાન ૧૦૦ કલાક સ્વચ્છતાની કામગીરીમાં અર્પણ કરશે તેવો નિર્ધાર લીધો હતો. કાર્યક્રમ અંતે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામા આવ્યું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)