જૂનાગઢ જિલ્લાના વરસાદથી અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગ ચેતી ઉઠ્યું – OPD, ડોર-ટુ-ડોર સર્વે અને ફ્લોરિનેશનની કામગીરી શરૂ.

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા તથા પ્રદૂષણના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી શક્યતા વચ્ચે આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે.

કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય તપાસણી OPD શરૂ કરવામાં આવી છે. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં આરોગ્ય કર્મીઓ ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરીને લોકોની તબિયતની તપાસ કરી રહ્યા છે.

આજરોજ માણાવદર તાલુકાના સેલ્ટરહોમ ખાતે આશ્રિતોના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા. સાથે જ RBSK ટીમ દ્વારા ફિલ્ડ OPDનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

તે ઉપરાંત મેંદરડા, માંગરોળ, કેશોદ, વંથલી સહિતના પ્રભાવિત વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. લોકોને સ્વચ્છ અને કલોરીન યુક્ત પાણી પીવાનું, ઝાડા-ઉલટીના કિસ્સામાં તાત્કાલિક ઓઆરએસનો ઉપયોગ કરવાનો, તેમજ વાસી અને બહારનો ખોરાક ટાળવાનો સંદેશો આપવામાં આવી રહ્યા છે.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ફ્લોરિનેશન કામગીરી પણ તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે જેથી પાણીજન્ય રોગચાળો અટકાવી શકાય.

તંત્ર તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે વરસાદી પરિસ્થિતિ વચ્ચે સ્વચ્છતા જાળવી રાખવી એજ રોગચાળાને રોકવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ