જૂનાગઢ જિલ્લાના વિસ્તારોના પ્રશ્નોનું રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉચિત નિરાકરણ કરવામાં આવશે : કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

જૂનાગઢ

ભારે વરસાદને લીધે જૂનાગઢ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત રાજ્યના કૃષિ અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે લીધી હતી. જિલ્લાના વંથલી તાલુકાના આખા-ટીકર ગામને જોડતા માર્ગે આખા, સેંદરડા, ટીકર અને કેશોદના માણેકવાડાના માલબાપાના મંદિર ખાતે મધરવાડા, ચિત્રી, ડેરવાણ સહિતના ગ્રામ અગ્રણીશ્રીઓને મળી તેની રુબરુ રજૂઆતો સાંભળી હતી.

ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિને લગતા પ્રશ્નોની રજૂઆતોનો પ્રત્યુતર આપતા કૃષિ મંત્રીશ્રીએ કહ્યુ કે, રાજ્ય સરકાર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્તોની રજૂઆતોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે. ખેતરમાં ઉભા હતા તે પાકને થયેલી નુકસાની, ખેતરનું ધોવાણ, ભારે વરસાદથી પ્રભાવિત થયેલા માર્ગોની મરામત વગેરે પ્રશ્નો ઉકેલવા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે સંકલન કરવામાં આવશે. વધુમાં રાજ્ય સરકારમાં પણ આ પ્રશ્નોની રજૂઆત કરીને નિરાકરણ કરવામાં આવશે

તેમણે ઘેડ પંથકના લોકોની વ્યથાને વાચા આપતા કહ્યુ કે, આ વિસ્તારના નાગરિકોને ચોમાસામાં વિપરિત પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓના ઉકેલ માટે રાજ્ય સરકાર કૃત્ત નિશ્ચયી છે. ઘેડ પંથકમાં પાણી ભરાઇ જવાના પ્રશ્નનું કાયમી નિરાકરણ આવે તે માટે સર્વે સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ તેમના આ પ્રવાસ દરમિયાન માર્ગમાં, આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ વિશે વિગતો મેળવી હતી.કૃષિ મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર,ધારાસભ્ય સર્વ શ્રી દેવાભાઈ માલમ, શ્રી અરવિંદભાઈ લાડાણી, જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિતીન સાંગવાન, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, સાવજ ડેરી ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા સહિતના પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓ સાથે રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)