જૂનાગઢ જિલ્લાના ૩૨૨ ખેડૂતોને ટ્રેકટર ખરીદવા રૂ.૧૫૧.૦૫ લાખની સહાય ચૂકવાઇ

ખેડૂતોને ટ્રેકટર ખરીદવા રૂ.૬૦ હજાર સુધી સબસીડી મળે છે

આવક બમણી કરવા સાથે ખેતી ખર્ચમાં ઘટાડો કરવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેકટર ખરીદવા પ્રોત્સાહન આપવામાં આવે છે

જૂનાગઢ જિલ્લાના ખેડૂતો સુધી ખેત યાંત્રિકરણની પહોંચ વધારવવા અને ખેત શક્તિની ઉપલબ્ધતામાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેકટર ખરીદવા માટે સબસીડી આપવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાનાં ૩૨૨ ખેડૂતોને વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં રૂ. ૧૫૧.૦૫ લાખની સબસીડી સરકાર દ્વારા સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમાં કરવામાં આવી છે.
ખેડૂતોની આવક બમણી કરવા સાથે ખેતી ખર્ચમાં ઘટાડો કરવા તેમજ આધુનિક ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેકટર ખરીદવા પ્રોત્સાહન આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આઇ-ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ મેળવવાનું ચાલુ હોય તે સમયગાળામાં ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહે છે. અરજી કર્યા બાદ પાત્રતા ધરાવતા લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધી જ જમાં કરવામાં આવે છે.


રાજ્યના ખેડૂત ખાતેદારોને રાજ્ય સરકાર દ્વારા ૪૦ એચ.પી.થી વધુ ક્ષમતાવાળા ટ્રેકટર માટે રૂ.૬૦ હજાર અને ૪૦ એચ.પી.થી ઓછી ક્ષમતાવાળા ટેકટર માટે રૂ.૪૫ હજાર સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધરાવતાં દરેક ખેડૂતોને મળવાપાત્ર છે. લાભાર્થી ખેડૂતોને તેઓની જમીનના ૮-અ માં દર્શાવેલ ખાતેદારો પૈકી કોઈ એક જ ખાતેદાર દીઠ એક ટ્રેકટરનો લાભ મળે છે. આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો કોઈ એક જ ખેડૂતને સહાય મળવાપાત્ર છે. તેમજ ખેડૂત ખાતેદાર એક કરતા વધુ ખાતા ધરાવતા હોય અથવા ખાતામાં નામ ધરાવતો હોય તે કિસ્સામાં તે ખેડૂત દ્વારા કોઈ એક જ સહાય મળવાપાત્ર રહેશે.

ખેડૂતોને ૮-અ પત્રક પ્રમાણે ૧૦ વર્ષમાં એક વખત સહાય મળવાપાત્ર છે. તેમજ લાભાર્થી ખેડૂતે ખેતીવાડી ખાતા દ્વારા સમયાંતરે જાહેર કરાયેલ પ્રાઈઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ટ્રેક્ટરના અધિકૃત ડીલર પાસેથી ખરીદી કરવાની હોય છે.આ યોજના ની વધુ જાણકારી માટે ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત જૂનાગઢ અથવા આપના તાલુકાના વિસ્તરણ અધિકારી અથવા ગ્રામસેવક નો સંપર્ક કરવો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)