દર્દીઓ માટે સગવડ, સેવા અને વ્યવસ્થા કેન્દ્રમાં રાખીને સતત આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ કરવા આરોગ્ય મંત્રીશ્રીની સૂચના
આરોગ્ય મંત્રીશ્રીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય સેવાઓનું જાત નિરીક્ષણ કર્યું : દર્દીઓ સાથે સંવેદનાસભર સંવાદ કરી સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો
સિવિલ હોસ્પિટલમાં એન્ટ્રી પોઇન્ટ પર જ દર્દીઓ પોતાની રજૂઆતો સરળતાથી કરી શકે તે માટે એક ફરિયાદ નિવારણ માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા પણ નિર્દેશ
સિવિલ હોસ્પિટલમાં સેવારત તબીબો અને આરોગ્ય કર્મીઓની હાજરી સુનિશ્ચિત કરવાની સાથે હાજરીનું સતત મોનિટરિંગ સાથે આ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા આરોગ્ય મંત્રીશ્રીની સ્પષ્ટ સૂચના
ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય સવલતોનું નિરીક્ષણ કરવાની સાથે જૂનાગઢ જિલ્લાની આરોગ્ય સેવાઓ અને આરોગ્યલક્ષી ભૌતિક સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આરોગ્ય મંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગ, આઈસીયુ, અતિ ગંભીર પ્રસુતિ ગૃહ, અને બાળકોના વોર્ડમાં દાખલ દર્દીઓ – માતાઓ સાથે સંવાદ સાધી, તેમને મળી રહેલી આરોગ્ય સવલતોનો પ્રતિભાવ મેળવ્યો હતો. આ સાથે તેમણે દર્દીઓ સાથે સંવેદનાસભર સંવાદ કરી સરકાર તેમની પડખે હોવાની પણ સધિયારો આપ્યો હતો.
આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રીશ્રીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અને જૂનાગઢ જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરતા દર્દીઓ માટે સગવડ, સેવા અને વ્યવસ્થા કેન્દ્રમાં રાખીને સતત આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
મંત્રીશ્રીએ ખાસ સિવિલ હોસ્પિટલમાં એન્ટ્રી પોઇન્ટ પર જ દર્દીઓ પોતાની રજૂઆતો સરળતાથી કરી શકે તે માટે એક ફરિયાદ નિવારણ માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા પણ નિર્દેશ આપ્યા હતા. ઉપરાંત રાત્રિના સમયે આવતા પણ દર્દીઓને નિષ્ણાંત અને અનુભવી ડોક્ટરની સેવાઓ અને અન્ય સવલતો મળી રહે તે માટે પણ સૂચના આપી હતી.
આરોગ્ય મંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલમાં સેવારત તબીબો અને આરોગ્ય કર્મીઓની હાજરી સુનિશ્ચિત કરવાની સાથે હાજરીનું સતત મોનિટરિંગ સાથે આ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે પણ જણાવ્યું હતું. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને સ્ટાફને ગુણવત્તા યુક્ત ભોજન મળી રહે તે માટે એનજીઓ કે સખી મંડળને આ વ્યવસ્થા સોંપવા તેમજ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત ભોજન મળી રહે મેસ શરૂ કરવવા માટે નિર્દેશ આપ્યાં હતાં.
ઉપરાંત મંત્રીશ્રીએ હોસ્પિટલમાં સ્વચ્છતા ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી, કોઈપણ જગ્યાએ ગંદકી ન રહે તે માટે તકેદારી લેવા પણ જણાવ્યું હતું.આરોગ્ય મંત્રીશ્રીએ અંતરિયાળ અને નેસ વિસ્તારમાં આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અને પહોંચ માટેની વિગતો મેળવી, આ વિસ્તારમાં પણ સતત હેલ્થ ટીમ દ્વારા વિઝીટ કરવામાં આવે તે માટે પણ સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.
જિલ્લામાં ૭૦ + ઉમર ધરાવતા વરિષ્ઠ નાગરિકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બાકી રહેલા લાભાર્થીઓને આવરી લેવા અને તેમને વહેલી તકે આયુષ્માન કાર્ડ મળી રહે તે માટે પણ જરૂરી સૂચનાઓ આપી હતી.
જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે આરોગ્ય કેન્દ્રોના બાંધકામની પ્રગતિની વિગતો પણ મંત્રીશ્રીએ મેળવી હતી. ઉપરાંત ઉપલબ્ધ મેડિકલ સાધનો અને પરિવહન માટેના વાહનોની પણ આવશ્યકતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ડેન્ગ્યુ, મલેરિયા, ટીબી વગેરે રોગોની સમીક્ષા કરતા નાના બાળકોમાં જુદા જુદા રોગો માટેનું ૧૦૦ રસીકરણ થાય તે માટે પણ સુચના આપવામાં આવી હતી. ઉપરાંત આરોગ્ય મંત્રીશ્રીએ બેઠકમાં રજૂ થયેલા બેડ ઓક્યુપેન્સી, ઓપીડી, માતા મૃત્યુદર, બાળ મૃત્યુ વગેરે આંકડાઓનું વિશ્લેષણ કરીને યોગ્ય પગલાઓ લેવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા અને શ્રી દેવાભાઈ માલમ તરફથી મળેલી રજૂઆતોના નિરાકરણ માટે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી અને કમિશનર શ્રી હર્ષદ પટેલે આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે માર્ગદર્શન કર્યું હતું.
આ બેઠકમાં તબીબી અધિક્ષક શ્રી કૃતાર્થ બ્રહ્મભટ્ટ અને ઇન્ચાર્જ સીડીએચઓ શ્રી મનોજ સુતરીયાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં આરોગ્યલક્ષી સેવા સુવિધા અને થયેલી કામગીરીનો વિગતવાર ચિતાર રજુ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, આરોગ્ય વિભાગના અધિક નિયામકશ્રીઓ, જીએમઈઆરએસના CEO ડો. રામાવત, ડીન શ્રી આમટે, સિવિલ સર્જન ડોક્ટર પાલા, પ્રોજેક્ટ ઇમ્પલિમેન્ટ યુનિટના અધિકારીશ્રીઓ સહિત આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)