જૂનાગઢ મહાનગરપાલિકામાં શાંતિપૂર્ણ રીતે ટેન્ટેટીવ ૪૪.૩૨ ટકા મતદાન
કણજા બેઠક પર ૫૦.૭૪ ટકા ટકા મતદાન
જિલ્લાની નગરપાલિકાઓમાં સરેરાશ ૬૬.૬૩ ટકા મતદાન
જૂનાગઢ તા.૧૬
જુનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટેન્ટેટીવ ૪૪.૩૨ ટકા અને જિલ્લાની નગરપાલિકાઓમાં ૬૬.૬૩ ટકા મતદાન થયું હતું. મતગણતરી તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ સવારે ૯ કલાકથી થશે.જુનાગઢ
મહાનગરપાલિકાની મત ગણતરી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી એન્જિનિયરિંગ કોલેજ બિલ્ડિંગમાં થવાની છે,
જુનાગઢ જિલ્લાની નગરપાલિકાઓમાં બાટવા ૫૯.૩૬, માણાવદર ૫૬,માંગરોળ ૬૭.૨૦, વિસાવદર ૬૫.૫૪, વંથલી ૬૯.૪૫ અને ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં ૭૯.૪૫ ટકા એમ સરેરાશ અંદાજિત ૬૬.૬૩ ટકા મતદાન શાંતિમય રીતે સંપન્ન થયું છે. વંથલી તાલુકા પંચાયત કણજા બેઠકની પેટા ચૂંટણીમાં ૫૦.૭૪ ટકા મતદાન થયું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા ના માર્ગદર્શનમાં તેમજ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક કલેક્ટર શ્રી એન. એફ.ચૌધરી ના સંકલનમાં ચૂંટણી અધિકારીઓની ટીમ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલી અવિરત કામગીરીના ભાગરૂપે મતદાન મથકોમાં વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ હતી અને મતદારોએ શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતુ. પોલીસે પણ બંદોબસ્ત ગોઠવ્યો હતો. કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ ચૂંટણીમાં રોકાયેલા સેવારત તમામ અધિકારીઓ-સ્ટાફને અભિનંદન આપી શાંતિમય રીતે અને સુચારું રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે સફળ પ્રયાસોને બીરદાવ્યા હતા. લોકશાહીના આ અવસરમાં મતદાન જાગૃતિ માટે મીડિયાના સકારાત્મક યોગદાન અંગે આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્ય ચૂંટણી આયોગ ના માર્ગદર્શન હેઠળ મતગણતરીની પણ તૈયારીઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)