જૂનાગઢ જિલ્લામાં કપાસના ઊભા પાકમાં ગુલાબી ઇયળ, ટપકાંવાળી ઇયળ અને લીલી ઇયળના સંકલિત વ્યવસ્થાપન માટે ઉપયોગી સૂચનાઓ જારી.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં કપાસના ઊભા પાકમાં ગુલાબી ઇયળ, ટપકાંવાળી ઇયળ અને લીલી ઇયળના સંકલિત વ્યવસ્થાપન માટે જરુરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.

આ સૂચનાઓ મુજબ દરેક ઈયળો માટે અલગ અલગ ૫ ફેરોમોન ટ્રેપ હેકટરે ગોઠવવા. બે ટ્રેપ વચ્ચે ૩૦ મીટર અંતર રાખવુ. લીલી ઇયળ અને ગુલાબી ઇયળ માટે દર ૧૫ થી ૩૦ દિવસે તેમજ કાબરી ઈયળ અને લશ્કરી ઈયળ માટે ૪૫ થી ૬૦ દિવસે લ્યુર બદલવી. ફેરોમોન ટ્રેપમાં પકડાયેલ ફુદાનો દરરોજ નિકાલ કરવો. ફેરોમોન ટ્રેપ કપાસની ટોચથી ૧-૧.૫ ફૂટ ઉંચાઇએ રાખવા. ખેતરમાં જીંડવાની ઇયળના ઈંડા દેખાવાની શરૂઆત થયેથી હેક્ટર દીઠ૧.૫ લાખની સંખ્યામાં દસ દિવસના અંતરે ૫ થી ૬ વાર ટ્રાયકોગ્રામા ભમરી છોડવાથી જીંડવાની ઇયળનું નિયંત્રણ કરી શકાય. ક્રાયસોપાને ખેતરમાં હેક્ટર દીઠ ૧૦ હજાર ઈંડા અથવા પ્રથમ અવસ્થાની ઈયળોને બે થી ત્રણ વખત છોડવાથી જીંડવાની ઇયળોનું નિયંત્રણ કરી શકાય.

ગુલાબી ઇયળના જૈવિક નિયંત્રણ માટે સાવજ એમડીપી ટેક્નોલોજીની ૪૦૦ ગ્રામ પેસ્ટ પ્રતિ હેક્ટર મુજબ (એકસરખા ૧૦૦૦ ટપકાને બે ડાળીની વચ્ચેની જગ્યા પર), પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ જણાય (ફૂલ અવસ્થા) ત્યારે અને પછીની બે માવજત, પ્રથમ માવજતના ૩૦ દિવસના અંતરે આપવાની ભલામણ છે. કાબરી ઇયળ કપાસના છોડની શરૂઆતની અવસ્થામાં ડૂંખમાં પેસી જઇ ડૂંખને નુક્શાન કરતી હોઇ ખેતરમાં આવી નુક્શાન પામેલ ડૂંખને હાથથી દબાવી દેવાથી તેમાં રહેલી ઇયળનો નાશ થાય છે.

લીલી ઇયળનું ફૂદુ કપાસના છોડની ટોચ પરનાં કુમળા ભાગ પર ઈંડા મૂકતી હોઇ, આવા ટોચના પાન ઉપર મુકાયેલા ઈંડા સહિતના પાન વીણી લેવા તથા લીલી ઇયળની મોટી અવસ્થાની ઇયળોનો હાથથી વીણી નાશ કરવો. ફુલ અવસ્થાએ ફુલોમાં ગુલાબી ઈયળના ઉપદ્રવ અને નુકશાનની ચકાસણી કરવી. ફુલોમાં ૫-૧૦% નુકશાન જોવા મળે તો અત્રે ભલામણ કરેલ કીટનાશકોનો છંટકાવ કરવો અને છોડો ઉપર વિકૃત થઇ ગયેલ (રોસેટ) ફુલો કે ખરી પડેલ ફુલભમરી એકત્ર કરી ઇયળ સહિત નાશ કરવો. લશ્કરી ઇયળનાં ઇંડા તથા પ્રથમ અવસ્થાની ઇયળનાં સમુહ શોધી તેનો નાશ કરવો. લીંબોળીના મીંજમાંથી બનાવેલ દ્રાવણ કપાસનાં છોડ પર પાંચ ટકાનાં દરે છાંટવાથી તે લીલી ઇયળ અને લશ્કરી ઈયળની માદાને છોડ પર ઈંડા મુકતું અટકાવે છે. ઈયળો લીમડાની દવા છાંટેલ પાન ખાઈ શકતી નથી. આથી તેનો વિકાસ પૂર્ણ થઈ શકતો નથી. પરિણામે ઈયળો ભૂખી રહેવાથી મરી જાય છે. કપાસમાં લીલી ઇયળ અને લશ્કરી ઈયળ માટેનું વિષાણુંયુકત દ્રાવણ અનુક્રમે (એચએનપીવી) ૪૫૦ અને (એસએનપીવી) ૨૫૦ ઇયળ યુનિટ પ્રતિ હેકટરે છાંટવાથી ઈયળોમાં રોગ ઉત્પન્ન થાય છે અને ઈયળ નાશ પામે છે. ખેતરમાં આવી રોગગ્રસ્ત ઈયળો છોડના ટોચના ભાગે ઉંધી લટકેલ જોવા મળે છે.એન.પી.વી. હંમેશા સાંજનાં સમયે છાંટવું. હિતાવહ છે. ઇયળોનાં નિયંત્રણ માટે કપાસનાં ખેતરમાં પક્ષીઓને બેસવા માટે અંગ્રેજી T આકારનાં ૫૦ થી ૧૦૦ ટેકા હેક્ટરે લગાડવા.

લશ્કરી ઈયળના અસરકારક નિયંત્રણ માટે ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મીલી અથવા ફેનવાલરેટ ૨૦ ઇસી ૫ મીલી અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મીલી પૈકી કોઈપણ એક કીટનાશકોનો ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જીંડવાની ઈયળના ઈંડા તથા નાની અવસ્થાઓની ઈયળોનો નાશ કરવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૨૦ મીલી અથવા પ્રોફેનોફોસ + સાયપરમેથ્રીન ૪૪ ઇસી ૧૦ મીલીનો ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જીંડવાની ઈયળોના અસરકારક નિયંત્રણ માટે ક્વીનાલફોસ ૨૫ ઈસી ૨૦ મીલી અથવા ઇન્ડોકક્ષાકાર્બ ૧૪.૫ એસસી ૫ મીલી અથવા નોવલ્યુરોન ૧૦ ઇસી ૧૦ મીલી અથવા સ્પીનોસાડ ૪૮ એસસી ૫ મીલી પૈકી કોઈ પણ એક કીટનાશકોનો ૧૦ લીટર પાણીમાંભેળવી છંટકાવ કરવો. ગુલાબી ઈયળથી વધુ ઉપદ્રવિત વિસ્તાર/ખેતરમાં વાવણીના ૭૫ અને ૯૦ દિવસે સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મીલી, ઇન્ડોકઝાકાર્બ ૧૪.૫ એસસી ૫ મીલી અથવા એમામેકટિન બેન્ઝોએટ ૫ એસજી ૫ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો. અસ્તવ્યસ્ત પધ્ધતિથી લીલા જીંડવાના નમૂનામાં કે ખુલ્લા જીંડવામાં ઇયળની હાજરી સહિત ૧૦ ટકા નુક્શાન જોવા મળે તો થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા કવીનાલફોસ ૨૦ ઇસી ૨૦ મીલી અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથીન ૪% (તૈયાર મિશ્રણ) ૧૦ મીલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ઈયળોના નિયંત્રણ માટેબ્યુવેરીયા બાસીયાના (જૈવિક કીટક્નાશક) સાથે રાસાયણિક દવાઓ અડધા ડોઝમાં ભેળવીને(બ્યુવેરીયા બાસીયાના ૮૦ થી ૧૦૦ ગ્રામ + કવીનાલફોસ ૧૦ થી ૧૫ મિ.લિ. પ્રતિ પંપઅથવા બ્યુવેરીયા બાસીયાના ૮૦ થી ૧૦૦ ગ્રામ + ઇન્ડોક્ઝાકાર્બર થી ૩ મિ.લિ. પ્રતિ પંપ અથવા બ્યુવેરીયા બાસીયાના ૮૦ થી ૧૦૦ ગ્રામ + પ્રોફેનોફોસ ૫ થી ૭ મિ.લિ. પ્રતિ પંપ) જરૂરીયાત મુજબ છંટકાવ પણ કરી શકાય છે. ગુલાબી ઇયળના નિયંત્રણ માટે પાકના ૧૨૦ થી ૧૫૦ દિવસે આર્થિક ક્ષમ્ય માત્રાના ઉપદ્રવ અથવા નુક્શાને સાયપરમેથ્રીન ૧૦ ઇસી અથવા ફેન્વલરેટ ૨૦ ઇસી અથવા લેમ્ડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૧૦ મીલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ગુલાબી ઇયળના કુદરતી પરભક્ષીઓ જેવાં કે બ્રેકોન ગેલેચીડી અને ઇલાસમસ ઝોનસ્ટોની કે કોશેટાના પરજીવી માઇક્રોબ્રેકોન લેફરોયની હાજરી જોવા મળે તો ઓછી હાનીકારક કીટનાશકોનો ઉપયોગ કરવો.

વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે. તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી નો સંપર્ક કરવો, તેમ જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)‌