જૂનાગઢ જિલ્લામાં ઘરઘાટીને રાખતા પહેલા ૪૮ કલાકની અંદર પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં ઘણા ગંભીર ગુનાઓમાં ઘરઘાટીની સંડોવણી હોવાનું તપાસ દરમિયાન જણાયેલ છે. કેટલાંક કિસ્સાઓમાં વયોવૃધ્ધ નાગરિકો મકાનમાં એકલા રહેતા હોય છે. તેમને ત્યાં ઘરકામ અર્થે રાખેલ ઘરઘાટીઓ પૈકી અમુક ગુનાહિત મનોવૃત્તિ ધરાવતા હોય, એકલતાનો લાભ ઉઠાવી નાણાની અથવા અન્ય લાલચમાં આવી જઇ શરીર સંબંધી કે મિલકત સંબંધી ગુનાઓ આચરી ફરાર થઈ જતા હોય છે. આંતકવાદી પ્રવૃત્તિમાં સામેલ ઈસમો પણ આ રીતે રહે તેવી શક્યતા નકારી શકાય નહીં. ઘરઘાટીઓ જૂનાગઢ જિલ્લાની બહારના હોય તેઓ ગુનો આચરીને જતા રહેતા હોય છે. તેમની માહિતી મકાન માલિક કે પોલીસ પાસે હોતી નથી. પરિણામે તેમને પકડવા ખૂબ જ મુશ્કેલ ભર્યું બને છે. જેથી આવા બનાવો બનતા અટકાવવા તથા જૂનાગઢ જિલ્લા વિસ્તારની જાહેર જનતાની સલામતી અને શાંતિ જાળવવા આવા ઘરઘાટીઓના પુરા નામ, સરનામા, ફોટોગ્રાફ્સ, ધંધાકીય પ્રવૃત્તિની વિગત વગેરેની માહિતી માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષા જાળવવા તથા આવી પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ અધિક્ષકશ્રી, જૂનાગઢ તરફથી કરાયેલ દરખાસ્ત વ્યાજબી જણાય છે. આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ. ચૌધરીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ઘરઘાટીના નામ, સરનામા, ફોટોગ્રાફ્સ, ધંધાકીય પ્રવૃત્તિની વિગત વગેરે માહિતી ઘરમાલિક/ભાડુઆત દ્વારા ઘરમાલીક/ભાડૂઆતનું નામ/સરનામું, મોબાઇલ/ટેલીફોન નંબર (આઇ.ડી.પ્રુફની નકલ ફરજિયાત જોડવી), ઘરઘાટીનું પૂરું નામ, ઉંમર વર્ષ તથા જૂનાગઢ જિલ્લાનું સરનામું તથા મોબાઈલ નંબર (આઇ.ડી.પ્રુફની નકલ ફરજિયાત જોડવી), ઘરઘાટીનું મૂળ વતનનું સરનામું તથા મોબાઈલ નંબર તથા પોલીસ સ્ટેશનનું નામ(આઇ.ડી.પ્રુફની નકલ ફરજિયાત જોડવી), ઘરઘાટીને કામે રાખ્યા તારીખ/છુટા કર્યાની તારીખ, ઘરઘાટી અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે ઘર માલીકનું / ભાડૂઆતનું પૂરું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને ઘરઘાટીનો સમયગાળો, ઘરઘાટી કોના રેફરેન્સ/પરિચયથી કામે રાખેલ છે.? તેનું પૂરું નામ, સરનામું તથા મોબાઈલ નંબર(આઇ.ડી.પ્રુફની નકલ ફરજિયાત જોડવી), ઘરઘાટીના માતા-પિતા ભાઈ-બહેનના પુરા નામ, સરનામા તથા મોબાઈલ નંબર, ઘરઘાટી પરિણીત હોય તો તેના સાસુ-સસરા, સાળાના નામ, સરનામાં તથા મોબાઈલ નંબર, ઘરઘાટીનો અભ્યાસ તથા ઓળખી શકાય તેવી નિશાની, ઘરઘાટીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ મુજબની માહિતી દિવસ-૭ માં સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે. તેમજ નવા ઘરઘાટીને કામ પર રાખ્યાની તથા જુના ઘરઘાટીને છૂટા કર્યાની તારીખથી ૪૮ કલાક અંદર સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.

આ જાહેરનામું તાત્કાલીક અસરથી ૦૪/૧૧/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ-૨૨૩ મુજબ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)