જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં તા.૧૪ ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન : સાધુ, સંતો, પદાધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો સહિત મહાનુભાવો જોડાશે.ગુરુ દત્તાત્રેય શિખર અને અંબાજી ખાતે પણ રમતવીરો રાષ્ટ્રધ્વજને લહેરાવશે.જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા રાષ્ટ્રીય સપ્તાહ ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ.
રાષ્ટ્રીય પર્વ – સ્વાતંત્ર્ય પર્વ – ૧૫ ઓગસ્ટ પૂર્વે હર ઘર તિરંગા રાષ્ટ્રીય સપ્તાહની ઉજવણી થશે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે.
કાર્યક્રમોના આયોજન અર્થે જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ હર ઘર તિરંગા અભિયાનના સુચારુ આયોજન માટે જરુરી સૂચનાઓ અને દિશાદર્શન કર્યુ હતુ. તેમણે રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાઈ રહે તેની ખાસ કાળજી લેવા માટે પણ સૂચનાઓ આપી હતી.
સ્વાતંત્ર્ય દિન પૂર્વે તા.૧૪ ઓગસ્ટ, ૨૦૨૪ને બુધવારના રોજ સાંજે ૫ કલાકે જૂનાગઢ સ્થિત બહાઉદ્દીન કોલેજ ખાતેથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તિરંગા યાત્રા નીકળશે.સાધુ સંતો, પદાધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, રમતવીરો વિવિધ એસોસિએશન ઉત્સાહભેર જોડાશે.
આ તિરંગા યાત્રાની સાથે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે. તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ સાંજના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહ ખાતે દેશભક્તિસભર સંગીત કાર્યક્રમ યોજવામાં આવશે.
ગરવા ગિરનાર પર ગુરુ દત્તાત્રેય શિખર અને અંબાજી ખાતે પણ રમતવીરોની એક ખાસ ટીમ રાષ્ટ્રધ્વજને લહેરાવશે. ઉપરકોટ, માંગરોળ બંદર, સરકારી કચેરીઓ સહિતના સ્થળોએ રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવશે.
હર ઘર તિરંગા રાષ્ટ્રીય સપ્તાહ અંતર્ગત તા.૮, તા.૯ અને તા.૧૦ ઓગસ્ટના રોજ શાળાઓમાં ચિત્ર, રંગોળી, નિબંધ વેશભૂષા વગેરે સ્પર્ધાઓ અને કાર્યક્રમો યોજાશે.
આ બેઠકમાં કમિશનર શ્રી ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ. ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર શ્રી અજય ઝાપડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)