આપણો દેશ વર્ષ ૨૦૧૪માં પોલીયો મુક્ત જાહેર કરવામાં આવેલ છે. ભારત પોલીયો મુક્ત છે, પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલીયો નાબુદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી ભારત દેશને પોલીયો મુક્ત બનાવી રાખવા માટે સરકારશ્રી દ્વારા પોલીયો રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષના અંદાજે ૧,૦૩,૭૫૦ બાળકોને તા.૦૮/૧૨/૨૦૨૪ ને રવિવારના રાઉન્ડ દરમ્યાન દરેક ગામે પોલિયોના કુલ ૭૬૬ સ્થાયી બુથ બનાવીને પોલિયોની રસી પીવડાવવામાં આવનાર છે. તેમજ છુટા છવાયા વિસ્તારોમાં રહેતા કુટુંબોના બાળકોને ૨૨ મોબાઇલ બુથ દ્વારા અને રેલ્વે સ્ટેશનો, એસ.ટી. સ્ટેન્ડ, મોટા મંદિરો, મેળા બજારો જેવા જાહેર સ્થળોએ ૩૯ ટ્રાન્ઝીટ બુથો ગોઠવીને ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોના રોગ સામે રક્ષણ આપવા માટે પોલિયોની રસી પીવડાવવાનું જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારી નિતિન સાંગવાનના સીધા માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ અંતર્ગત નિવાસી અધિક કલેકટરશ્રી, જૂનાગઢના અધ્યક્ષ સ્થાને પલ્સ પોલિયો રસીકરણ સ્ટીઅરીંગ કમિટી ની મિટિંગ તા.૦૪/૧૨/૨૦૨૪ ના રોજ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગો તેમજ આરોગ્ય વિભાગના જીલ્લા કક્ષાના તથા તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. ઉક્ત કાર્યક્રમમાં ૧૦૦% સફળતા મળે તે અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. નિવાસી અધિક કલેકટરશ્રી દ્વારા ખાસ કરી ને નેસ વિસ્તારના બાળકો તેમજ વાડી વિસ્તારમાં રહેતા કે મજૂરી અર્થે આવેલ પરિવારના બાળકો પણ ૧૦૦% આવરી લેવાય તેવી સૂચના આપી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ૫૬૭-આરોગ્ય કર્મચારી, ૬૨૬-આંગણવાડી કાર્યકર-હેલ્પર બહેનો, ૧૦૦૪-આશા કાર્યકર બહેનો તથા ૧૮૯-અન્ય સ્વયંસેવકો મળી કુલ-૨૩૮૬ કર્મચારીઓની ટીમો બનાવી પોલિયો રસીકરણ અભિયાનની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરીનું સુપરવિઝન ૧૧૭-ઝોનલ સુપરવાઇઝશ્રીઓ કરશે અને તમામ કામગીરીનું લાઇઝનીંગ જિલ્લાના વર્ગ-૧/૨ ના અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવશે. આ પોલિયો રસીકરણ અભિયાનનાં રાઉન્ડમાં આપના નજીકના પોલિયોના બુથ ઉપર આપના બાળકને લઇ જઇ પોલિયોની રસી અચુક પીવડાવી બાળકને પોલિયોના રોગ સામે રક્ષણ અપાવવા તમામ બાળકના માતા-પિતા, વાલીને અનુરોધ કરવામાં આવે છે. આપના બાળકને અગાઉ ગમે તેટલી વખત પોલિયોની રસી પીવડાવેલ હોય તો પણ અને બાળક સામાન્ય બિમાર હોય તો પણ આપના બાળક્ને આ દિવસે ફરીથી પોલિયોની રસી અચુક પીવડાવવા તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ડો.અલ્પેશ એસ.સાલ્વી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)