જૂનાગઢ જિલ્લામાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની સૈાજન્ય મુલાકાતે ૮૬ વર્ષિય જૈવવૈજ્ઞાનિક ડો. ડી.સી.ભટ્ટ અને ટીમ- છાત્રો સાથે સાધ્યો સિધો સંવાદ.

જૂનાગઢ

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢની સૈાજન્ય મુલાકાતે આજે ભાવનગરથી ૮૬ વર્ષિય જૈવ વૈજ્ઞાનિક ડો. ડી.સી.ભટ્ટ અને ટીમ પધારી હતી. આ તકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.. ખાતે ચાલતા લાઈફ સાયન્સ વિભાગ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલતા અભ્યાસક્રમોની જાણકારી મેળવી અને છાત્રો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. લાઈફ સાયન્સ ડીપાર્ટમેન્ટનાં વડાપ્રો( ડો.) સુહાસ વ્યાસે લાઈફ સાયન્સ ભવનમાં અભ્યાસ કરતાં છાત્રો, અભ્યાસની ભુમિકા, છાત્રોનાં સંશોધનાત્મક કાર્યો અને સોરઠ પ્રદેશની જૈવ વિવિધતાની જાણકારી આપી હતી.

યુનિ.ની મુલાકાત લેનાર ડો. ડી.સી.ભટ્ટે અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતાં છાત્રો સાથે સીધો સંવાદ સાધી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરતા જણાવ્યુ હતુ કે મારા ૮૬ વર્ષિય જીવનકાળ દરમ્યાન લાઈફ સાયન્સ ક્ષેત્રે અનેક અનુભવો અને સંશોધનોથી ઘણી જાણકારી મળી છે. જૈવ વિવિધતા એ સજીવની વચ્ચે જોવા મળતી વિવિધતા છે જેમાં પ્રજાતિઓ અને તેમના ઇકોસિસ્ટમ્સ વચ્ચેની જાતોની વિવિધતા શામેલ છે. ત્રણ પ્રકારની જૈવ વિવિધતા છે, આનુવંશિક વિવિધતા, વંશીય વિવિધતા, અને ઇકોસિસ્ટમ વિવિધતા. ઇકોલોજીકલ વિવિધતા એ પૃથ્વી પર જોવા મળતી ઇકોસિસ્ટમ્સમાં વિવિધતા છે જેમાં પ્રજાતિઓ રહે છે. ઇકોલોજીકલ વિવિધતા વિવિધ બાયો-ભૌગોલિક પ્રદેશોમાં જેમ કે તળાવો, રણ, રસ્તો, વગેરેમાં પ્રતિબિંબિત થાય છે. જૈવ વિવિધતાનું માનવ જીવનમાં મહત્વનું સ્થાન છે. પૃથ્વી પર માનવ જીવન જૈવવિવિધતા વિના અશક્ય છે. જૈવવિવિધતા એ માનવ સંસ્કૃતિના વિકાસનો આધારસ્તંભ હોવાથી, તેનું સંરક્ષણ ખૂબ મહત્વનું છે. આપણા ખોરાક, કાપડ, ઐાષધીય, બળતણ વગેરેની જરૂરિયાતોને પહોંચી વળવા પર્યાવરણીય સંરક્ષણમાં જૈવવિવિધતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જૈવવિવિધતા ઇકોલોજીકલ સંતુલન જાળવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે પૂર, દુષ્કાળ વગેરે જેવી કુદરતી આફતોથી રાહત પૂરી પાડે છે. હકીકતમાં, જૈવવિવિધતા એ પ્રકૃતિની પ્રાકૃતિક મિલકત છે અને તેનો ક્ષય એ રીતે પ્રકૃતિનું નુકસાન છે. તેથી, પ્રકૃતિને વિનાશથી બચાવવા માટે, જૈવવિવિધતાને સુરક્ષા આપવી એ સમયની સૌથી મોટી જરૂરિયાત છે. જીવવિજ્ઞાનમાં સૂક્ષ્મ જીવાણુની આવી અનોખી શોધખોળોને કારણે જીવસૃદૃષ્ટિના સૂક્ષ્મ જીવો જીવાણુ, ફૂગ, વિષાણુ, માઇક્રોપ્લાઝ્મા, રિકેટ્શિયા અને કૃમિ જાતના રોગશાસ્ત્રના અભ્યાસનો સમાવેશ થતાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં રસરૂચિનું વર્ધન થયુ છે. ડો. ડી.સી.ભટ્ટે પોતાનાં વનસ્પતિ શાસ્ત્ર, પર્યાવરણ, મરીન સાયન્સ, યોગ, નેચરોપેથી સહિતનાં વિષયો પર કરેલ ખેડાણ અને આજનાં સમયમાં અભ્યાસ બાદ તેમાં શંશોધનો અને લોકજીવન માટે ઉપયોગીતા બાબતે બૃહદ છણાવટ કરી હતી.

આ પ્રસંગે ગાંધીનગરથી પધારેલ પ્રો.(ડો.)પી.પી. પારેખે જણાવ્યુ હતુ કે મનુષ્યજાતની પ્રગતિ મોટેભાગે વિજ્ઞાનની પ્રગતિ ઉપર નભેલી છે. વૈજ્ઞાનિક શોધોથી ઘણા ફાયદાઓ મનુષ્યને થાય છે અને આ બધું માણસને સરળ રીતે જીવન જીવવામાં મદદરૂપ થાય છે. સૂક્ષ્મ જીવો વિશેના મનુષ્યના જ્ઞાનમાં ઉત્તરોત્તર પ્રગતિ થતાં તે ઘણીબધી રીતે મદદરૂપ થયું છે.

ભાવનગર સાન્સ કોલેજનાં પ્રાધ્યાપક પ્રો.(ડો) શૈલેષ કે. મહેતાએ વનસ્પતિરોગશાસ્ત્ર, કૃષિશાસ્ત્રની શરૂઆત માનવજીવનની શરૂઆત સાથે જ થઈ છે, તેમ જણાવી કહ્યુ હતુ કે પ્રાચીન વેદો અને સંસ્કૃતિના સાહિત્યમાં રોગોનું વર્ણન અને તેનાથી થતા નુકસાનની અને એથી પ્રાચીન સંસ્કૃતિના વિકાસમાં થતા અવરોધની વિગતો જોવા મળે છે.વૈજ્ઞાનિક ઢબે ફૂગનો અભ્યાસ ભારતમાં ઓગણીસમી સદીની શરૂઆતમાં થયો હતો.
આ તકે લાઈફ સાયન્સ ક્ષેત્રે દિર્ઘકાલીન સમય સુધી કાર્ય કરનાર અને ૮૬ વર્ષની વયે આજેય વિદ્યાર્થીઓને પ્રોફેસરભાવથી સંદશો આપતા ડો. ડી.સી.ભટ્ટે જણાવ્યુ હતુ કે નિરામયી શરીર રાખવા આપણા ઐષધીય વનસ્પતિને લોકભોગ્ય બનાવવા લાઈફ સાયન્સ સંશોધનો દ્વારા નવા પરિમાણો સર કરે એવી જૂનાગઢની ભૈાગોલીક સંપદા આપનાં છાત્ર જીવનમાં ઉપયોગી પુરવાર થશે.

આ મુલાકાત વેળાએ પ્રાધ્યાપક દુશ્યંત દુધાગરા, પ્રા. રાજેશ રવૈયા, સંદીપ ગામીત સાથે જોડાયા હતા. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની મુલાકાત લેવા બદલ સિનીયર જૈવ વૈજ્ઞાનીક શ્રી ડી.સી. ભટ્ટ અને ટીમનાં સભ્યોનો આભાર માનતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે સંશોધનાત્મક દીશામાં જેનું બહુમુલ યોગદાન રહ્યુ છે તેવી ટીમ દ્વારા વિદ્યાર્થી સાથે થયેલ સીધો સંવાદ પ્રેરણાત્મક અને ફળદાયી બની રહેશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)