જૂનાગઢ જિલ્લામાં જૂન-૨૦૨૫થી સતત પડતા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોના માર્ગો, પુલો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નુકસાન પામ્યા છે. ખાસ કરીને વૃક્ષો પડવાની ઘટનાઓ અને માઇનર સરફેસ ડેમેજના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ઊભી થઈ હતી. જેની તાત્કાલિક અસર સામે પગલાં રૂપે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા મરામત અને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વિભાગ દ્વારા મદદનીશ ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેરની નિયુક્ત ટીમો સ્થાનિક સ્તરે સતત તૈનાત કરી દેવામાં આવી છે. જે રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે, ત્યાં રાઉન્ડ ધ કલોક (૨૪ કલાક) કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કામગીરીના ચોકસાઈથી નિરીક્ષણ માટે નાયબ કાર્યપાલક ઇજનેર તેમજ કાર્યપાલક ઇજનેર દ્વારા પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
મરામત અને સમારકામ કાર્યમાં મશીનરી તેમજ જરૂરિયાત મુજબનું માનવબળ તાત્કાલિક પ્રભાવથી કામે લગાડવામાં આવ્યું છે. ટીમો કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પહેલેથી જ પેચવર્ક, મેટીંગ અને પાથલાંની સમારકામ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે વાહનચાલકો, સ્થાનિક નાગરિકો તેમજ પર્યટકોને મુસાફરી દરમિયાન સુરક્ષા, સરળતા અને સુવિધા પ્રાપ્ત થઇ રહી છે.
આ કાર્યસરણીને પગલે સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે અને લોકોને આશા છે કે આગામી દિવસોમાં જિલ્લામાં તમામ મુખ્ય અને ઉપમાર્ગો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થવા જઈ રહ્યા છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ