જૂનાગઢ જિલ્લામાં મકાન, દુકાન કે ગોડાઉન ભાડે આપતા પહેલા પોલીસને જાણ ફરજિયાત – જાહેરનામું જાહેર.

દરિયાકાંઠે વસેલા પવિત્ર યાત્રાધામ જૂનાગઢ જિલ્લામાં હવે કોઈ પણ મકાન, દુકાન, ઓફિસ, ઔદ્યોગિક એકમ કે ગોડાઉન ભાડે આપતા પહેલા પોલીસ સ્ટેશનમાં જાણ કરવી ફરજિયાત રહેશે. આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કે.બી. પટેલ દ્વારા જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે, જે તા.૧૭/૮/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

જાહેરનામા મુજબ, કોઈ પણ મકાન માલિક કે સત્તાધારી વ્યક્તિ ભાડે આપતી પહેલાં ભાડુઆતની વિગત તથા ઓળખાણ સંબંધિત પોલીસ સ્ટેશનમાં રજૂ કરવી જરૂરી રહેશે. આમાં ભાડુઆત અને ભાડા કરાવનારા દલાલની પણ સંપૂર્ણ માહિતી આપવી પડશે.

જિલ્લામાં આવેલા ગિરનાર પર્વત અને અન્ય ધાર્મિક-પ્રવાસી સ્થળો તથા ઔદ્યોગિક એકમોમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવતાં હોય છે. આવી પરિસ્થિતિમાં સુરક્ષા દૃષ્ટિએ શકમંદ પ્રવૃત્તિઓ અટકાવવા તકેદારી રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જાહેરનામાનું ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતા કલમ ૧૮૮ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી અધિકારીશ્રીએ નાગરિકોને આ જાહેરાતનું પાલન કરવા અપીલ કરી છે.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ