જૂનાગઢ જિલ્લામાં મગફળીમાં સફેદ ધૈણ(મુંડા)નું સંકલિત વ્યવસ્થાપન અંગે ખેડુતોને કાળજી લેવા અનુરોધ.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં મગફળીમાં સફેદ ધૈણ(મુંડા)નું સંકલિત વ્યવસ્થાપન કરવા અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ પગલાઓ ભરવા અનુરોધ કર્યો છે.જિલ્લામાં મગફળીનું વાવેતર થયું હોય તે ખેતરમાં સંકલિત જીવાત નિયંત્રણ માટે યોગ્ય પગલાઓ લેવા અનિવાર્ય છે, આ માટે કાળજી લેવાની રહે છે. ઘૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પિંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગા કરી તેનો નાશ કરવો. મગફળીના ઊભા પાકમાં મુંડાના અસરકારક નિયંત્રણ માટે ઉગાવાના 30 દિવસ બાદ બ્યુવેરિયા બાસિયાના અથવા મેટારિઝીયમ એનિસોપ્લી ડ્રેન્ચિંગ દ્રારા ૫.૦ કિ.ગ્રા./હેકટર પ્રમાણે જમીનામાં આપવું.

સફેદ ધૈણ (મુંડા) નો ઉપદ્રવ ઓછો હોય ત્યારે કલોરપાયરિફોસ ૨૦ઈ.સી. ૪૦ થી પ૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી પંપની નોઝલ કાઢી મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે. ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. અથવા ક્વીનાલફોસ ૨૫ ઈ.સી. હેકટરે ૪ લીટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારુ નિયંત્રણ મળે છે. ચોમાસામાં મગફળીમાં પિયત ન આપવાનું હોય ત્યારે આ જીવાતોના નિયંત્રણ કરવા માટે કલોરપાયરિફોસ ૪લીટર દવા ૫લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો ઝીણી રેતીમાં ભેળવી ત્યાર બાદ રેતી સૂકવી, આ રેતી એક હેકટર વિસ્તારમાં છોડના થડ પાસે પુંખવી. ત્યારબાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવું.

વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલા ડોઝ અને જે તે રોગ-જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી,ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ),નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)