જૂનાગઢ જિલ્લામાં મુસાફરોની ‘પથિક’ સોફ્ટવેરમાં નોંધણી ફરજિયાત, તમામ હોટેલ-ધર્મશાળાઓ માટે કડક સૂચના!

જૂનાગઢ જિલ્લામાં હવે દેશ-વિદેશથી તેમજ વિવિધ રાજ્ય-પ્રાંતોમાંથી આવનાર તમામ મુસાફરો કે યાત્રાળુઓની વિગતો ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે. જિલ્લાની જાહેર સલામતી, સુરક્ષા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જિલ્લા મેજીસ્ટ્રેટ એન.એફ. ચૌધરી દ્વારા આ સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ ફરજ જૂનાગઢ જિલ્લામાં આવેલી તમામ હોટલ, ગેસ્ટહાઉસ, ધાબા, આશ્રમો, મંદિરો, મસ્જિદો, અતિથિગૃહો, વિશ્રામગૃહો, સમાજ વાડીઓ, ધર્મશાળાઓ, યાત્રાળુ નિવાસો, ફાર્મહાઉસ અને રિસોર્ટ્સ પર લાગૂ રહેશે.

PATHIK (Programme for Analysis of Travelers and Hotel Information) પોર્ટલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા સંચાલિત છે. તમામ સંચાલકોએ http://pathik.guru/ પોર્ટલ પરથી માહિતી મેળવી, આપેલા યુઝરનેમ અને પાસવર્ડથી 24 કલાકની અંદર મુસાફરોની વિગતો અપલોડ કરવાની રહેશે.

➤ માન્ય ઓળખપત્રની સહી કરેલ નકલ અપલોડ કરવી અનિવાર્ય
➤ રજિસ્ટરમાં પણ વિગત નોંધવી ફરજિયાત
➤ 3 મહિના સુધી CCTV ફૂટેજ સાચવી રાખવાનું રહેશે
➤ શંકાસ્પદ વ્યક્તિઓની માહિતી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી

આ જાહેરનામું 30 મે 2025 સુધી અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આ નિયમોનો ભંગ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ | તારીખ: 04 એપ્રિલ 2025