હાલની ચોમાસાની ઋતુમાં મચ્છરો દ્વારા ફેલાતા રોગોની આશંકાને ધ્યાનમાં રાખી જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગો સામે આરોગ્ય વિભાગ દ્વારા જાગૃત કામગીરી શરૂ કરવામાં આવી છે.
જિલ્લામાં જૂન માસને મેલેરિયા વિરોધી અને જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જૂન મહિનામાં આરોગ્ય વિભાગની ૮૫૬ ટીમોએ 491 ગામોમાં હાઉસ ટુ હાઉસ મુલાકાત લઈ 2,82,766 ઘરોમાં તાવના લક્ષણોની ચકાસણી કરી હતી. 7678 લોહીના નમૂનાઓની માઈક્રોસ્કોપ દ્વારા તપાસ કરી, જેમાં એકપણ મેલેરિયા કેસ પોઝિટિવ નોંધાયો નથી.
મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા 18.38 લાખ પાત્રોની તપાસ કરવામાં આવી, જેમાં 6027 પાત્રોમાં પોરા મળ્યા હતા. અસરકારક દવાઓ, જેવી કે એબેટ, ઓઈલ/ડીઝલ અને પોરાભક્ષક માછલીઓના ઉપયોગ દ્વારા નુકસાનકારક પોરાને નષ્ટ કરવામાં આવ્યા છે.
ડ્રાય ડે ઉજવણી અંતર્ગત જિલ્લામાં 164 ગામોમાં સક્રિય ભાગીદારીથી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે. ઘરના પાણી ભરેલા પાત્રો ખાલી કરાવી તેમને તડકામાં સુકવવાની અને ફરીથી સ્વચ્છ રીતે ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
જુલાઈ મહિનાના આખા ગાળામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પત્રિકા વિતરણ, બેનર, માઈકિંગ, વોલ પેઈન્ટિંગ અને સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને જાગૃત કરશે.
ડૉ. એ.એસ. સાલ્વી (મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી) અને ડૉ. એચ.કે. લાખાણી (મેલેરિયા અધિકારી)એ જણાવ્યું કે, વાહકજન્ય રોગો અટકાવવા સરકારના પ્રયાસો ત્યારે જ સફળ થશે, જયારે જાગૃત નાગરિકો સહકાર આપશે.
શંકાસ્પદ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ પણ કરવામાં આવી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ