દર વર્ષે ૨ સપ્ટેમ્બરનાં રોજ “વિશ્વ નાળિયેર દિવસ” દેશભરમાં ઉજવવામાં આવે છે. એ અનુસંધાને આ વર્ષે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામે જિલ્લા સ્તરીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નાળિયેર વિકાસ બોર્ડ, બાગાયત ખાતું તથા ખેતીવાડી ખાતાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાએ જણાવ્યું હતું કે, માંગરોળ તાલુકો નાળિયેરના ઉત્પાદન માટે ઓળખાય છે અને અહીંના ખેડૂતો સારી એવી આવક મેળવી રહ્યા છે. તેમણે ખેડૂતોને મૂલ્યવર્ધન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અને આધુનિક પદ્ધતિ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ પોતાના સંબોધનમાં ખેડૂતોએ નાળિયેર પાકમાં મૂલ્યવર્ધન કરી ખેતીમાં નવીન અભિગમ અપનાવવો જોઈએ તેવી સલાહ આપી. સાથે જ તેમણે જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને કેરળ અને તામિલનાડુ જેવા રાજ્યોની મુલાકાત કરાવી ત્યાંની ટેક્નોલોજી તથા મૂલ્યવર્ધન પદ્ધતિઓનો અભ્યાસ કરવાની વ્યવસ્થા નાળિયેર વિકાસ બોર્ડે કરવી જોઈએ.
આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને નાળિયેર પાકની આધુનિક ખેતી પદ્ધતિઓ તથા મૂલ્યવર્ધન વિશે માર્ગદર્શન આપ્યું. સાથે જ PMFME યોજનાની વિગતવાર માહિતી અધિકારીઓએ આપી. નાળિયેર વિકાસ બોર્ડના નાયબ નિયામક દ્વારા બોર્ડની વિવિધ યોજનાઓ સમજાવવામાં આવી.
નાયબ બાગાયત નિયામક-જૂનાગઢે પણ નાળિયેર અને અન્ય બાગાયતી પાકો માટે બાગાયત ખાતાની સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું. નાળિયેર પાકના નિષ્ણાતોએ ખેડૂતોને વ્યાવહારિક માહિતી આપી, જેથી તેઓ ઉત્પાદન સાથે મૂલ્યવર્ધન દ્વારા વધુ આવક મેળવી શકે.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી માંગરોળ-કેશોદ, આસિસ્ટન્ટ કલેક્ટર, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ નિયામક (નાળિયેર વિકાસ બોર્ડ), કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, PMFME અધિકારીઓ સહિત અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયેલા ખેડૂતો માટે આ કાર્યક્રમ અત્યંત ઉપયોગી સાબિત થયો હતો.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ