જૂનાગઢ જિલ્લામાં સભા અને સરઘસ પર પ્રતિબંધ, 18 એપ્રિલ સુધી લાગુ રહેશે જાહેરનામું!

જૂનાગઢ જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, સમાજમાં શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાય અને કોઈ અહિતકારી પ્રવૃત્તિઓ ન થાય એ હેતુસર જિલ્લા પ્રશાસન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ. ચૌધરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને જણાવાયું છે કે 18 એપ્રિલ 2025 સુધી કોઈપણ વ્યક્તિએ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના જાહેર સ્થળોએ સભા ભરવી કે સરઘસ કાઢવો અધિકૃત નહીં ગણાય.

જાહેરનામા મુજબ ચાર કરતાં વધુ લોકો એકઠા થાય તેવા જાહેર સમૂહો પર પણ પ્રતિબંધ રહેશે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ હુકમ જાહેર સુરક્ષા માટે જરૂરી ગણવામાં આવ્યો છે અને કેટલાક સંજોગોમાં છૂટછાટ આપવામાં આવી છે – જેમ કે:

  • અધિકારીઓથી પરવાનગી લીધેલા કાર્યક્રમો
  • લગ્નના વરઘોડા
  • શોક યાત્રાઓ (સ્મશાન યાત્રા)
  • સરકારી નોકરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ
  • સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો

પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવે અને જાહેરનામાનું પાલન કરીને જવાબદાર નાગરિકનો નમૂનો રજૂ કરે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ