જૂનાગઢ જિલ્‍લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે લાઉડસ્‍પીકરના ઉપયોગ અને સભા-સરધસ અંગે જરૂરી હુકમ

રાજ્યના ચૂંટણી આયોગ ગાંધીનગર દ્રારા જારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ફેબ્રુઆરી ૨૦૨૫ માં જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ મહાનગરપાલિકા તથા કુલ ૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ જૂનાગઢ જિલ્લાની તાલુકા પંચાયતોની કુલ ૨ બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે.

આ ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા સભા સરઘસ દ્વારા તથા લાઉડ સ્પીકરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવતો હોય છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકસાન થતું અટકાવવા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને, જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ સલામતીને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા જળવાઈ રહે તે હેતુસર સાવચેતીના ભાગરૂપે આગોતરા પગલાં ભરવા જરૂરી જણાય છે.


આથી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાએ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની નીચેની કલમો દ્વારા મળેલ અધિકારની રૂએ કેટલાક હુકમ કરેલ છે.
લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ – (૩૩) (૧) (થ) તથા કલમ ( 33) (૧) (૫) (૩) હેઠળ રસ્તામાં અથવા રસ્તા નજીક અથવા સાર્વજનિક કે ખાનગી જગ્યાઓમાં ચૂંટણી પ્રચાર કે અન્ય હેતુ માટે જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા માટે નિયમોનું પાલન કરવા જણાવેલ છે.

સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે. નહીં. આવી પરવાનગી નોઇઝ પોલ્યુશન ( રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ ૨૦૦૦ ના નિયમ – ૩ને અનુરૂપ તથા નામ. સુપ્રીમ કોર્ટ રીટ પિટિશન નંબર ૭૨/૯૮ વીથ સિવિલ અપીલ નંબર ૩૭૩૫/૨૦૦૫ માં આપેલ ગાઈડલાઈન મુજબ કરવાની રહેશે. લાઉડ સ્પીકર વગાડવા સક્ષમ અધિકારીશ્રી તરફથી જે શરતે પરવાનગી અપાયેલ હોય તે શરતોનું પાલન કરવાનું રહેશે.

લાઉડ સ્પીકર ફક્ત સવારના ૬ -૦૦ કલાકથી રાત્રિના ૧૦-૦૦ કલાક સુધી જ જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકસાન ન થાય તે રીતે વગાડવાનું રહેશે લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી મળેલ હોય તેમ છતાં પરવાનગીના સ્થળ નજીક સરકારી કે અર્ધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક કે ધાર્મિક સંસ્થાઓ કે દવાખાના આવેલા હોય તો સદરહુ કચેરીઓ, સંસ્થાઓની કામગીરીમાં કોઈ પણ દખલગીરી ન થાય તે રીતે તદ્દન ધીમા અવાજથી વગાડવાના રહેશે.

સભા સરઘસ દરમિયાનના વર્તન વર્તુણુક અંગે અધિનિયમ ૧૯૫૧ ની કલમ – (૩૩) (૧) (દ) તથા કલમ ( 3૭) (૧) (ક) થી (છ) હેઠળ સભાસરઘસ દરમિયાન નીચેના નિયમોનું પાલન કરવા ફરમાવું છુંસક્ષમ અધિકારીશ્રીની મંજૂરી મળ્યા બાદ સભાસરઘસનું આયોજન કરવાનું રહેશે. તથા જે શરતે પરવાનગી અપાયેલ હોય તે શરતોનું પાલન કરવાનું રહેશે. સભાસરઘસમાં નીચેના કૃત્યો કરવાની મનાઈ કરવામાં આવે છે.

શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી અથવા લાઠી અથવા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવાની.કોઈપણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થ લઈ જવાની. પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની. કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઇ જવાની.

વ્યકિતઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની/બાળવાની. લોકોએ બુમ પાડવાની, ગીતો ગાવાની તથા વાઘ વગાડવાની.જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યાથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેના પરીણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવાં છટાદાર ભાષણ આપવાની, તે ચાળા વગેરે કરવાની અને તે ચિત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની. ચૂંટણી સભા-સરઘસ દરમ્યાન આદર્શ આચાર સંહિતાનું પાલન કરવાનું રહેશે.


આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧, ૧૩૫ તથા ચૂંટણી અંગેની આચાર સંહિતાની જોગવાઈઓ હેઠળની શિક્ષાને પાત્ર થશે.આ હુકમ પ્રસિધ્ધ થયાની તારીખથી જૂનાગઢ મહાનગરપાલિકા, બાંટવા, વિસાવદર, માણાવદર, વંથલી, માંગરોળ તથા ચોરવાડ નગરપાલિકાઓ તથા વંથલી તાલુકા પંચાયતના ૬-કણજા મતદાર મંડળ તથા જૂનાગઢ તાલુકા પંચાયતના ૧૫-પલાસવા મતદારમંડળના મતવિસ્તારમાં તા.૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)