રાજ્યના ચૂંટણી આયોગ ગાંધીનગર દ્રારા જારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ફેબ્રુઆરી ૨૦૨૫ માં જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ મહાનગરપાલિકા તથા કુલ ૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ જૂનાગઢ જિલ્લાની તાલુકા પંચાયતોની કુલ ૨ બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે.
આ ચૂંટણી દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકા, બાંટવા, વિસાવદર, માણાવદર, વંથલી, માંગરોળ તથા ચોરવાડ નગરપાલિકાઓ તથા વંથલી તાલુકા પંચાયતના ૬- કણજા મતદાર મંડળ તથા જૂનાગઢ તાલુકા પંચાયતના ૧૫ પ્લાસવા મતદારમંડળના મતદાર વિસ્તારમાં તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં વિક્ષેપ ઊભા થાય નહીં અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવાનો અત્યંત જરૂરી જણાતું હોવાથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૬૩ મુજબ પગલાં લેવા માટે પૂરતા કારણો જણાય છે.
આથી અનિલ રાણાવસિયા આઈ.એ.એસ જિલ્લા મેજિસ્ટ્રેટ જૂનાગઢ જીલ્લો, જૂનાગઢ ભારતીય નાગરિક સુરક્ષા સહિત ૨૦૨૩ ની કલમ ૧૬૩ મુજબ તેમને મળેલ સત્તાની રૂએ આથી ફરમાવું છું કે, આ હુકુમ પ્રસિદ્ધ થયાની તારીખથી જૂનાગઢ મહાનગરપાલિકા, બાંટવા, વિસાવદર, માણાવદર, વંથલી, માંગરોળ તથા ચોરવાડ નગરપાલિકાઓ તથા વંથલી તાલુકાના ૬- કણજા મતદાર મંડળ તથા જૂનાગઢ તાલુકા પંચાયતના ૧૫- પ્લાસવા મતદાર મંડળના મતદાર વિસ્તારમાં તારીખ તા.૨૧/૨/૨૦૨૫ સુધી કોઈ પણ ઈસમે પોતાના પરવાનાવાળા હથિયાર સાથે લઈને બહાર નીકળવું કે ફરવું નહીં. ઉપરાંત કોઈપણ ઈસમે શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી, લાઠી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી કોઈપણ ચીજો સાથે લઈ ઘર બહાર નીકળવું કે ફરવું નહીં.
આ હુકમ નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહીં. જે ફરજ ઉપર રોકાયેલ પોલીસ કર્મચારી/ અધિકારીઓ કે જેઓના ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવી હોય તેવી વ્યક્તિને. શારીરિક અશક્તિના કારણે લાકડી અથવા લાઠી લઈ ફરવું જરૂરી હોય તે વ્યક્તિને. રાષ્ટ્રીયકૃત બેંકો કે તેઓને તે બેંકની કેશ કરન્સી લઈ આવવા તથા લઈ જવા માટે તેની ફરજના ભાગરૂપે બેંકના હથિયાર પરવાનાવાળા શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવેલ હોય તે વ્યક્તિને. આ હુકમનો ભંગ કરીએથી બીએનએસ ૨૦૨૩ ની કલમ ૨૦૨૩ હેઠળ કસુરવાર સામે પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે. અને ગુન્હો સાબિત થયે છ માસની સાદી કેદ અથવા રૂપિયા ૨૫૦૦ દંડ અથવા બંનેની સજા થઈ શકશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)