જૂનાગઢ જિલ્‍લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે ચૂંટણી પ્રચાર પુરો થયા બાદ મતદાનના દિવસ અંગે જરૂરી હુકમ

રાજયના ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્રારા જારી કરાયેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ફેબ્રુઆરી-૨૦૨૫ માં જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ મહાનગરપાલિકા તથા કુલ-૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ જૂનાગઢ જિલ્લાની તાલુકા પંચાયતોની કુલ-૨ બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે.

આ ચૂંટણીઓ દરમ્યાન મતદાનની પ્રક્રિયા કોઈ પણ જાતની ખલેલ વિના શાંત વાતાવરણમાં યોજાય તેમજ બહારના તોફાની તત્વો આ મતદાનની કાર્યવાહી દરમ્યાન મતદારોને ખલેલ પહોંચાડે નહીં તથા અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિ મતદાન દરમ્યાન આચરે નહીં તે માટે તેમજ મતદાન દરમ્યાન આક્ષેપ-પ્રતિ આક્ષેપ દ્વારા જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સજોગો ઉપસ્થિત ન થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે નીચે જણાવ્યા મુજબના પ્રતિબંધ મુકવાની જરૂર જણાય છે.


અનિલ રાણાવસિયા આઈ.એ.એસ જિલ્લા મેજિસ્ટ્રેટ જૂનાગઢ જીલ્લો જૂનાગઢ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ કેટલાક હુકમ કરેલ છે.જે મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા, બાંટવા, વિસાવદર, માણાવદર, વંથલી, માંગરોળ તથા ચોરવાડ નગરપાલિકાઓ તથા વંથલી તાલુકા પંચાયતના ૬-કણજા મતદાર મંડળ તથા જૂનાગઢ તાલુકા પંચાયતના ૧૫- પલાસવા મતદારમંડળના મતદારવિસ્તારમાં તા.૨૧/૦૨/૨૦૨૫ સુધી નીચેના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
ચૂં ટણી પ્રચાર પુરો થયા બાદ કોઈ પણ વ્યકિત મતદાન વિસ્તારમાં સદરહુ ચૂંટણી માટે મતદાન બંધ કરવા માટે નકકી કરેલ સમયે પુરા અડતાલીસ કલાકની મુદત દરમિયાન તે મતદાન વિસ્તારમાં કોઈ જાહેર સભા બોલાવી શકાશે નહિ, ભરી શકશે નહિ અથવા તેમાં હાજર રહી શકશે નહિ.

મતદારના વ્યકિતગત સંપર્ક દરમિયાન કોઈને ઉતારી પાડતા, ચારિત્ર્ય ખંડન કરતા કોઈ વાણી પ્રયોગ કરી શકાશે નહીં.ચૂંટણી પ્રચારનો સમયગાળો પુરો થયા પછી જે તે મતદારક્ષેત્રના મતદાર, ઉમેદવાર, ચૂંટણી એજન્ટ સિવાયના રાજકીય કાર્યકર્તાઓએ તે મતદારક્ષેત્રમાં રહેવુ નહિ.મતદાર વિભાગની હદમાં, મતદાર વિભાગની બહારથી આવતા વાહનોની સંબંધિત પોલીસ મથકે નોધ કરાવવાની રહેશે. કોઈ પણ મહાનુભાવોને મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા, સદરહું મતદાર ક્ષેત્રમાં સરકારી વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં કે આ સમયગાળા દરમ્યાન કોઈ મહાનુભાવ તેમાં રહી શકશે નહિ.

મતદાનના દિવસે મતદાન મથકથી ૧૦૦ મીટરના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકી સાથે ભેગું એકઠું થવું નહિ કે તેવી વ્યકિતઓની મંડળી કોઈએ ભરવી નહિ કે બોલાવવી નહિ.અપવાદ – ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ/અધિકારીઓ કે લગ્નના વરઘોડા કે સ્મશાન યાત્રાને કે મતદાન માટે લાઈનમાં ઉભેલા મતદારોને આ પ્રતિબંધ લાગુ પડશે નહિ.મતદારો, ઉમેદવારો અને તેના ચૂટણી મતદાન એજન્ટ સિવાય, રાજય ચૂંટણી પંચનો અથવા જીલ્લા ચૂંટણી અધિકારીનો ખાસ માન્ય અધિકૃત પત્ર ધરાવતી વ્યક્તિઓ જ મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે. તે સિવાયના કોઈ પણ વ્યકિત મતદાન મથકમાં પ્રવેશી શકશે નહિ.સદરવું ચૂંટણીમાં હરીફ ઉમેદવારો, રાજકીય પક્ષો, તેઓના કાર્યકરો ધ્વારા મતદાન મથકની ૨૦૦ મીટરના અંતર સુધીમાં કોઈ પણ મંડપ કે કેમ્પ ઉભા કરી શકશે નહિ.આવા મંડપ મતદાન મથકની ૨૦૦ મીટરના અંતરથી બહારના વિસ્તારમાં એક જ મંડપ બાધી શકશે અને તેમાં એક ટેબલ અને બે ખુરશી જ રાખી શકાશે.

તડકાથી /વરસાદથી રક્ષણ માટે છત્રી અથવા તાડપત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે. પરંતુ મંડપની ફરતે કેતાન કે પછેડી જેવી આડશ લગાવી શકાશે નહિ.આવા મંડપ બાંધવા માંગતા ઉમેદવારે જગ્યા અંગે સ્થાનિક સતામંડળની લેખિત પરવાનગી મેળવવાની રહેશે અને સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીને જાણ કરવી જોઈશે.મતદારોને કોઈ સ્લીપ આપવામાં આવે તેમાં ઉમેદવારનું નામ/ચિન્હ, પ્રતિક અથવા રાજકીય પક્ષનું નામ લખેલું હોવુ જોઈશે નહિ.મતદાન કરીને આવેલ મતદારને મંડપમાં ભેગા/એકત્ર કરી શકાશે નહિ કે થવા દેશે નહિ.મંડપમાં મતદાન મથકમાં મતદાનની પ્રક્રિયામાં અડચણ (હરકત) ઉભી ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.

મતદાર કોઈ પણ ઉમેદવારના મંડપમાં સ્લીપ લેવા જઈ શકશે તેમ કરતા કોઈ પણ પ્રકારે કોઈ પણ ધ્વારા તેને અટકાવી શકાશે નહિ. મંડપમાંના કાર્યકરો સુમેળભર્યા વાતાવરણમાં જ કાર્યવાહી કરી શકશે.કાયદો-વ્યવસ્થા જાળવવામાં હરકત થશે તો મંડપ દુર કરવાની કાર્યવાહી સક્ષમ સતાધારી કરી શકશે.મતદાન મથકની ૨૦૦ મીટરના અંતર સુધીના વિસ્તારમાં ચૂંટણી પ્રચારનું કોઈ પણ સાહિત્ય, બેનર, પોસ્ટર, કટ આઉટ વિગેરે રાખી શકારો નહી.મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો ચૂંટણી પ્રચાર કરી શકાશે નહી. કોઈ પણ વ્યકિતએ મતદાન માટે નિયત કરેલ સમય દરમ્યાન મતદાન મથકે ગેરવર્તણુક કરવી નહિ. તેમજ મતદાન મથકના પ્રમુખ અધિકારીએ આપેલ કાયદેસર સુચનાઓનું પાલન કરવાનું રહેશે.

મતદાનના દિવસે સલામતી અંગે ધમકી મળી હોય અને ત્યાંથી સતાવાર સુરક્ષા પુરી પાડવામાં આવી હોય તેવી વ્યકિતએ તેના સુરક્ષા કર્મચારી સહિત મતદાન મથકની હદની આસપાસના વિસ્તારમાં (૧૦૦ મીટરની અંદર) પ્રવેશવું નહિ. વધુમાં મતદાનના દિવસે આવી કોઈ વ્યકિતએ તેના સલામતી કર્મચારી વર્ગ સાથે મતદાન મથકની આસપાસ ફરવુ નહી. જેને સત્તાવાર સલામતી પૂરી પાડવામાં આવી હોય તે વ્યક્તિ મતદાર હોય તો પણ તે અથવા તેણીએ સુરક્ષા કર્મચારી સાથેની તેની અવરજવર મતદાન કરવા પૂરતી જ મર્યાદિત રાખવી. સુરક્ષા અંગે ધમકી મળી હોવાના કારણે જેને સત્તાવાર સુરક્ષા મળી હોય અથવા પોતાના માટે જેણે ખાનગી સલામતી સુરક્ષા રાખ્યા હોય તેવી વ્યક્તિની ચૂંટણી એજન્ટ અથવા મતદાન એજન્ટ અથવા મત ગણતરી એજન્ટ તરીકે નિયુક્તિ કરવી નહીં.


ઉમેદવારો કે તેના ચૂંટણી એજન્ટે અથવા ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સમંતિથી બીજી કોઈ વ્યકિતએ મતદાન મથક સુધી અથવા મતદાન મથકથી અથવા મતદાન માટે નિયત કરેલ સ્થળ સુધી કે સ્થળથી કોઈ પણ મતદારને મફત પરત લાવવા લઇ જવા માટે કોઈ વાહન કે બીજા કોઈ સાધનોનો ઉપયોગ કરવો નહીં કે એવુ કોઈ વાહન કે બીજુ કોઈ સાધન પૈસા આપીને અથવા બીજી રીતે ભાડે રાખવુ કે મેળવવુ નહીં.કોઈ પણ મતદાન મથકે મતદાનના દિવસે કોઈ પણ વ્યકિતએ મતદાન માટે મતદાન મથકે આવતી કોઇ વ્યકિતને ત્રાસ થાય કે મતદાન મથક પર ફરજ બજાવતાં અધિકારીઓ અને બીજી વ્યકિતઓના કામમાં દખલ થાય એવું નીચેનુ કાંઈ કરવુ નહીં.

મતદાન મથકમાં અથવા તેના દરવાજે અથવા તેની નજીકના ખાનગી કે જાહેર સ્થળે માનવ ધ્વનિને વધારતુ કે તેનો પડઘો પાડતુ યંત્ર કે લાઉડ સ્પીકર વાપરવુ નહીં કે તેવું સંચાલન કરવુ નહીં, અથવા મતદાન મથકમાં અથવા તેના દરવાજે અથવા તેની નજીકનાં જાહેર કે ખાનગી સ્થળે બુમો પાડીને કે બીજી રીતે ધાંધલ કરવી નહીં. મતદાન સમય દરમ્યાન મતદાન એજન્ટો મતદારયાદી મતદાન મથકની બહાર લઈ જઈ શકશે નહીં.


મતદાનના દિવસે નીચે મુજબના કૃત્યો કરવા ફરમાવું છું. મતદાન મથકમાં પ્રવેશવા માટે મતદારોએ એક લાઈનમાં ઉભા રહેવાનું રહેશે. પરંતુ સ્ત્રી મતદારો માટે અલગ અલગ લાઈનની વ્યવસ્થા હોય તો તેઓએ અલગ લાઈનમાં ઉભા રહેવાનુ રહેશે.મતદારોએ મતદાન મથકમાં એક પછી એક વારા ફરતી ક્રમમાં પ્રવેશવાનું રહેશે.મતદારોએ મત આપ્યા બાદ તુર્તજ મતદાન મથક છોડી દેવાનું રહેશે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNS, 2023 ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ પ્રસિધ્ધ થયાની તારીખથી જૂનાગઢ મહાનગરપાલિકા, બાંટવા, વિસાવદર, માણાવદર, વંથલી, માંગરોળ તથા ચોરવાડ નગરપાલિકાઓ તથા વંથલી તાલુકા પંચાયતના ૬-કણજા મતદાર મંડળ તથા જૂનાગઢ તાલુકા પંચાયતના ૧૫-પલાસવા મતદારમંડળના મતદારવિસ્તારમાં તા.૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)