જૂનાગઢ જિલ્‍લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે ખાનગી મિલ્કત,સ્થળ,જગ્યા પર બોર્ડ -બેનર્સ ના ઉપયોગ નિયંત્રીત કરવા અંગે જરૂરી હુકમ

રાજયના ચૂંટણી આયોગ ગાંધીનગર દ્રારા જારી કરાયેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ફેબ્રુઆરી-૨૦૨૫ માં જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ મહાનગરપાલિકા તથા કુલ-૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ જૂનાગઢ જિલ્લાની તાલુકા પંચાયતોની કુલ-૨ બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે.

આ ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષો / ઉમેદવારો તથા તેના ટેકેદારો દ્વારા પોસ્ટર બેનર્સ હોર્ડિંગ્સ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવતો હોય છે. આ ચૂટણી પ્રચારમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું પાલન થાય ચૂંટણી મુકત ન્યાયી તથા પારદર્શક રહે તે માટે ખાનગી મિલ્કત , સ્થળ , જગ્યા વગેરે પર ચૂંટણી પ્રચારના બોર્ડ , બેનર્સ વગેરેના ઉપયોગ નિયંત્રિત કરવા જરૂરી જણાય છે.

આથી અનિલ રાણાવસિયા આઈ.એ.એસ જિલ્લા મેજિસ્ટ્રેટ જૂનાગઢ જીલ્લો જૂનાગઢએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની નીચેની કલમ-૩૩ ની પેટા કલમ-૧(ધ ક) તથા (ઘ ખ) હેઠળ તેમને મળેલ અધિકારની રૂએ કેટલાક હુકમ કરેલ છે. જે મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા, બાંટવા, વિસાવદર, માણાવદર, વંથલી, માંગરોળ તથા ચોરવાડ નગરપાલિકાઓ તથા વંથલી તાલુકા પંચાયતના ૬-કણજા મતદાર મંડળ તથા જૂનાગઢ તાલુકા પંચાયતના ૧૫-પલાસવા મતદારમંડળના મતદારવિસ્તારમાં તા.૨૧/૦૨/૨૦૨૫ સુધી ખાનગી મિલકત ,સ્થળ જમીન પર ચૂંટણી પ્રચારના બોર્ડ, બૅનર્સ, કમાન, તોરણ, પોસ્ટર્સ વગેરે મુકવા માટે નીચેની બાબતોનો અમલ કરવા હુકમ કરવામાં આવ્યો છે.


જો સ્થાનિક કાયદાઓ ખાનગી જગ્યાઓ પર દિવાલ પર લખાણ કરવા પોસ્ટરો ચોંટાડવા પાટિયા -ઝંડા લખાણો વગેરે લગાડવાની મંજુરી આપતા ન હોય તો ખાનગી મિલ્કતના માલિકની મંજુરી મળી હોય તો પણ ખાનગી જગ્યા પર, દિવાલ પર લખાણ કરી શકાશે નહીં પોસ્ટરો ચોંટાડી શકાશે નહીં. પાટિયા, ઝંડા, લખાણો લગાડી શકાશે નહીં.

કોઈપણ સ્થાનિક કાયદા હેઠળના કોઈપણ પ્રતિબંધને આધિન રહીને, રાજકીય પક્ષો, ઉમદવારો, તેમના એજન્ટો, કાર્યકર્તાઓ અને ટેકેદારો અન્ય કોઈ વ્યકિતને અગવડ ન પડે તે રીતે સ્વેચ્છાથી અને કોઈપણ પક્ષ, સંગઠન કે વ્યકિત તરફથી કોઈપણ પ્રકારના દબાણ વગર તેમના ખુદ ના સંકલ્પથી તેમની પોતાની મિલકત ઉપર તેમના ચૂંટણી પ્રતિકને દર્શાવતા તેમના પક્ષના બેનર, ફલેગ લગાવી શકશે.

સ્થાનિક કાયદાઓ જયાં તેના માલિકની પરવાનગીથી ખાનગી જગ્યામાં દિવાલો પર લખાણ કરવાની પોસ્ટરો ચોટાડવાની, હોડિંગ્સ, બેનર્સ વગેરે લગાડવાની મંજુરી આપતા હોય ત્યાં, ચૂંટણી લડતા ઉમેદવારો અથવા સંબંધીત રાજકીય પક્ષોએ મિલ્કતના માલિક પાસેથી લેખિત પરવાનગી મેળવવાની જ રહેશે અને આવી મેળવેલ પરવાનગીની નકલ તેમજ પ્રસિધ્ધ કરેલ હોર્ડિંગ્સ, બેનર્સની ફોટોગ્રાફસ બે નકલમાં અને નિયત પ્રોફાર્માના પત્રક સાથે તેમાં (ખાનગી) મિલ્કતના જે માલિક પાસેથી આવી પરવાનગી મેળવી હોય તેનુ નામ અને સરનામું, આ હેતુ માટે તેના દ્વારા કરવામાં આવેલા અથવા કરવામાં આવનાર ખર્ચ તેમાં દર્શાવીને, તે ચૂંટણી અધિકારીને અથવા આ હેતુ માટે તેમના દ્વારા પદનામિત કરવામાં આવેલા અધિકારીને મોકલી આપવાની રહેશે.

ચૂંટણી અધિકારી અથવા ચૂંટણી નિરીક્ષક અથવા ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા કોઈપણ અધિકારી સરળતાથી તપાસ કરી શકે એ માટે, ચૂંટણી લડતા ઉમેદવારે નગર/વોર્ડ/વિસ્તારવાર આવી માહિતી, આવશ્યક પરવાનગી મેળવી લીધા પછી ૩ દિવસની અંદર ચૂંટણી અધિકારીને અથવા અધિકૃત અધિકારીને પૂરી પાડવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ તથા ચૂંટણી અંગેની આચાર સંહિતાની જોગવાઈઓ હેઠળની શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ પ્રસિધ્ધ થયાની તારીખથી જૂનાગઢ મહાનગરપાલિકા, બાંટવા, વિસાવદર, માણાવદર, વંથલી, માંગરોળ તથા ચોરવાડ નગરપાલિકાઓ તથા વંથલી તાલુકા પંચાયતના ૬-કણજા મતદાર મંડળ તથા જૂનાગઢ તાલુકા પંચાયતના ૧૫-પલાસવા મતદારમંડળના મતદારવિસ્તારમાં તા.૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)