જૂનાગઢ તા.16:
જૂનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચુંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે મતદાન મથક પર ઉપયોગ થતી સ્ટેશનરી, સીલ-સિક્કા અને મતપત્રો છાપવાની કામગીરી માટે ખાનગી પ્રેસોના માલિકો અને મુદ્રકો પાસેથી ટેન્ડર આધારે ભાવપત્રો મંગાવવામાં આવ્યા છે.
જાહેરાત મુજબ, ટેન્ડર ફોર્મની કિંમત ₹1500/- રાખવામાં આવી છે. આ ફોર્મ તા. ૧૫ મે ૨૦૨૫થી કલેકટર કચેરી, જૂનાગઢની ચૂંટણી શાખામાંથી દિવસના ૧૧:૦૦ થી ૧૫:૦૦ કલાક વચ્ચે ચલણ દ્વારા ભરાવી મેળવી શકાય છે.
ટેન્ડર ફોર્મ ભર્યા બાદ તેને સીલબંધ કવરમાં તા. ૨૨/૦૫/૨૦૨૫, સાંજના ૬:૦૦ વાગ્યા સુધીમાં માત્ર રજિસ્ટર A.D. અથવા સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવા જરૂરી છે. અન્ય માધ્યમથી મળતા ટેન્ડર સ્વીકારવામાં આવશે નહીં. આ ટેન્ડરોને તા. ૨૬/૦૫/૨૦૨૫, બપોરે ૧૨:૦૦ વાગે ટેન્ડરદારોની હાજરીમાં ખોલવામાં આવશે.
નિયમ પ્રમાણે શરતી, ખોટી વિગતવાળા, મોડા પહોંચેલા અથવા બાનાની રકમ વિના આવેલા ટેન્ડરો રદ ગણાશે. ટેન્ડર મંજુર કે નામંજુર કરવાનો સંપૂર્ણ અધિકાર રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી તરીકે કલેકટરશ્રી પાસે રહેશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ