જૂનાગઢ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત શહેર તથા ગ્રામ્ય સ્થળે સફાઈ ઝૂંબેશ હાથ ધરાશે.

જૂનાગઢ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ-૨૦૧૭ થી સ્વચ્છ ભારત મિશન હેઠળ “સ્વચ્છતા હી સેવા” અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આ વર્ષે પણ ૧૭મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા–૨૦૨૪”ની સમગ્ર રાજ્ય- દેશભરમાં ઉજવણી થવાની છે. જૂનાગઢ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા ના અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઈ. બેઠકમાં આગામી દિવસોમાં આયોજિત “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સફાઈ અભિયાનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી.

જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાના શહેરો, નગરો, ગામોમાં શાળા-કોલેજો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થાનો, યાત્રાધામોમાં યોગ્ય સાફ સફાઈ થાય તે માટે જરૂરી લોકજાગૃતિના કાર્યક્રમો કરવા જેથી કરીને જિલ્લાના નાગરિકો પણ સ્વયંભુ રીતે આ અભિયાનમાં જાગૃતતા સાથે જોડાઈને પોતાની ભાગીદારી નોંધાવે તે માટેના પુરતા પ્રયત્નો સૌએ કરવા ઉપર ભાર મૂક્યો હતો. કે

શહેર તથા ગ્રામ્યના તમામ જાહેર વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવી તેમજ ઉત્પન્ન થયેલ કચરાનું તે જ દિવસે યોગ્ય નિકાલ કરવા અને ડોર ટુ ડોર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા અને કચરાના મૂળ સ્થાનેથી એકત્રીકરણ બાદ તેના આખરી નિકાલ માટે વ્યવસ્થા સઘન અને સુચારૂ બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા તથા શ્રી અરવિંદભાઈ લાડાણી, કમિશનરશ્રી ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિતીન સાંગવાન, અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.એફ.ચૌધરી, જિલ્લાના તમામ લાયઝન અધિકારીશ્રીઓ તથા અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ‌)