જૂનાગઢ જિલ્લામાં ૦૭ સપ્ટેમ્બર સુધી મંજૂરી વગર સભા–સરઘસ પર પ્રતિબંધ

જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ અધિક્ષકની દરખાસ્ત બાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. પટેલે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, તાત્કાલિક અસરથી લઈને તા. ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી જિલ્લામાં કોઈપણ પ્રકારની સભા કે સરઘસ માટે પૂર્વ મંજુરી લેવી ફરજિયાત રહેશે.

પરવાનગી વિના કોઈપણ સભા કે સરઘસ યોજવામાં આવશે તો તે કાયદેસર ગુનો ગણાશે. જો કે આ પ્રતિબંધ ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક મંડળીઓ, સરકારી ફરજ બજાવતા કર્મચારીઓ, દૈનિક અવરજવર કરતા નાગરિકો, લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રા અથવા સક્ષમ અધિકારીએ પૂર્વ મંજુરી આપેલી પ્રવૃત્તિઓ પર લાગુ નહીં પડે.

અધિકારીઓએ ચેતવણી આપી છે કે આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ કે સંગઠનો સામે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૩૫(૩) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

📍 આ પ્રતિબંધ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં અમલમાં રહેશે અને સીધો અસરકારક અમલ આજથી શરૂ થયો છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ