જૂનાગઢ જિલ્લામાં ૨૮ ગ્રામ્ય માર્ગો પર મેટલ પેચ વર્ક પૂર્ણ – મુસાફરોને સરળ અને સુરક્ષિત મુસાફરીનો આનંદ.

જૂનાગઢ, તા. ૨૯ – જૂનાગઢ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત હસ્તક) દ્વારા જિલ્લામાં વરસાદ બાદ નષ્ટ થયેલા ગ્રામ્ય માર્ગોનું સમારકામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. આ અનુસંધાને હાલ સુધીમાં જિલ્લાની અંદર કુલ ૨૮ માર્ગો પર મેટલ પેચ વર્કની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જીલ્લાના નાયબ કાર્યપાલક ઈજનેર અને કાર્યપાલક ઈજનેર સહિતની તકનીકી ટીમ દ્વારા તમામ કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે જેથી ગુણવત્તાયુક્ત કામગીરી સુનિશ્ચિત બને. ગ્રામ્ય વિસ્તારોના આ માર્ગો પર અકસ્માતનો ભય રહેતો હોવા છતાં હવે પુનઃ સુધારેલા રસ્તાઓ પર વાહનચાલકોને સરળ, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને વંથલી તાલુકાના ગાદોઈ-ટીનમસ આખા રોડ પર મેટલ પેચ વર્ક પૂરું થઇ ગયું છે અને ગાંઠીલા-ધણફુલીયા રોડ પર આવેલા કોઝવે, જ્યાં વરસાદી પાણીના ઓવરટોપ થવાને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, ત્યાં યુદ્ધના ધોરણે રબલ ડમ્પિંગ કરીને બ્રીજ સાઈડ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે. Panchayat R&B વિભાગ દ્વારા ચાલુ રહેલી કામગીરી જિલ્લાના ગ્રામ્ય વિકાસ માટે અત્યંત મહત્ત્વની સાબિત થઈ રહી છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.