જૂનાગઢ જિલ્લામાં ૨૯ થી ૩૧ ઓગસ્ટ સુધી નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણીનો જશ્ન.

હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે તા.૨૯ ઓગસ્ટના રોજ દેશભરમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. એ જ અનુસંધાને જૂનાગઢ જિલ્લામાં પણ ત્રણ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૫ ની ઉજવણી ધામધૂમપૂર્વક થવા જઈ રહી છે.

જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તથા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત આયોજન હેઠળ તા.૨૯ ઓગસ્ટથી તા.૩૧ ઓગસ્ટ સુધી યોજાશે.

તા.૨૯ ઓગસ્ટ – જિલ્લા અને મનપા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ

કાર્યક્રમનો પ્રારંભ તા.૨૯ ઓગસ્ટના રોજ સવારે ૭ વાગ્યે બીએપીએસ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય, જૂનાગઢ ખાતે કરવામાં આવશે.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર તથા જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશિયા અધ્યક્ષ સ્થાને રહેશે.
વિશિષ્ટ અતિથિ તરીકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, અરવિંદભાઈ લાડાણી, ગોપાલભાઈ ઇટાલીયા તેમજ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર હાજરી આપશે.

આ દિવસે હોકી જાદુગર મેજર ધ્યાનચંદજીને યાદ કરતાં હોકી પેનલ્ટી શૂટઆઉટ સ્પર્ધા, એક મિનિટ સ્કીપિંગ રોપ ચેલેન્જ તથા ૧૨ સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાશે.

તા.૩૦ ઓગસ્ટ – ક્રીડા સ્પર્ધાઓ

સવારે ૭ વાગ્યે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, બિલખા રોડ ખાતે વિવિધ રમતો યોજાશે.
તેમાં ૧૦૦ મીટર દોડ, ગોળાફેક, ફૂટબોલ તથા રસ્સાખેંચ જેવી લોકપ્રિય સ્પર્ધાઓ યોજાશે.

તા.૩૧ ઓગસ્ટ – સાયકલ રેલી

નેશનલ સ્પોર્ટ્સ ડે સમાપન પ્રસંગે તા.૩૧ ઓગસ્ટના રોજ સવારે ૭ વાગ્યે ઝાંસી રાણી સર્કલ, સરદારબાગ, જૂનાગઢથી “સન્ડે ઓન સાયકલ રેલી” યોજાશે.

આ ત્રણ દિવસીય કાર્યક્રમ દ્વારા ક્રીડા પ્રત્યે યુવાઓમાં જાગૃતિ ફેલાવવાનો તથા સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધારવાનો મુખ્ય હેતુ છે.


📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ