રાજ્યના વિવિધ વિસ્તારોમાં નદીઓ, તળાવો, નહેરો અને જળાશયો જેવા સ્થળોએ ન્હાવા ગયેલ લોકોના દુર્ઘટનાગ્રસ્ત થવાના અને ડૂબી જવાની ઘટના ઓften બને છે. આવી દુઃખદ ઘટનાઓને અટકાવવાના હેતુસર, જૂનાગઢ જિલ્લામાં આવેલ કુલ ૩૭ જેટલા સ્થળોએ સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કે.બી. પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા, ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે ૫ ઓગસ્ટ ૨૦૨૫થી ૩ ઓક્ટોબર ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામા હેઠળ આગામી બે મહિનાની અવધિ માટે જે સ્થળોએ પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે, તેમાં જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારના કેટલાક મહત્વના જળસ્થાનોનો સમાવેશ થાય છે. જેમ કે, વીલિંગ્ડન ડેમ, વાઘેશ્વરી તળાવ (ગણેશનગર), કાળવા નદી, સોનરખ નદી, નરસિંહ મહેતા તળાવ, દામોદર કુંડ, નારાયણ ધરા અને જટાશંકર જંગલ વિસ્તાર.
તદુપરાંત, જૂનાગઢ ગ્રામ્યના ઉબેણ ડેમ (ભેંસાણ), ગુજરીયા ડેમ (ઓઝત નદી), હસ્નાપુર ડેમ, ઓઝત નદી બંધ, તથા મેંદરડામાં મધુવંતી નદીનો પણ સમાવેશ થાય છે.
વિસાવદરના અંબાજળ ડેમ, સતાધાર, ધાફડ ડેમ (સરસઈ), ઝાંઝેશ્રી ડેમ, મહુડા-મહુડી ડેમ અને કેશોદ વિસ્તારની ટીલોળી, નોળી અને શાબરી નદીઓ પણ આ યાદીમાં સમાવિષ્ટ છે.
વંથલીના શાપુર ઓઝત, ખોરાસા ડેમ, માણાવદરના બાંટવા ખારો ડેમ, ભાદર ડેમ (વેકરી ગામ), ઓઝત (આંબલીયા ગામ), તથા ભાદર નદી (સરાડીયા ગામ) અને ઓઝત નદીના કોયલાણા, મટીયાણા ગામો આસપાસના વિસ્તારોમાં પણ પ્રતિબંધ લાગૂ રહેશે.
માળીયા હાટીના વિસ્તારના ભાખરવડ ડેમ, કાળેશ્વર ડેમ, મેઘલપુલ, વડીયા અને કાત્રાસા ગામના કોઝવે તથા સમઢીયાળા ગામ નજીક મેઘલ નદીના ચેકડેમને પણ આ સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ, કોઇપણ વ્યક્તિએ નિર્દેશિત સ્થળોએ પ્રવેશ કરવો કે ન્હાવા જવું કાયદેસર નહીં ગણાય અને આ બાબતનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ