જૂનાગઢ જિલ્લામાં NDPS એક્ટ હેઠળ પકડાયેલ એક કરોડથી વધુના નશીલા પદાર્થોનો કાનૂની રીતે નાશ.

જૂનાગઢ જિલ્લામાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કેસોમાંથી કબ્જે કરાયેલા નશીલા પદાર્થોના મુદામાલનો નાશ કરવામાં આવ્યો છે.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરાઈ હતી. કાયદાની પ્રક્રિયા મુજબ, નામદાર કોર્ટ દ્વારા 16 કેસોમાં જપ્ત કરાયેલા મુદામાલની ઇન્વેન્ટરી પૂર્ણ કર્યા બાદ તેના નાશ માટે મંજૂરી આપવામાં આવી હતી.

આ અનુસંધાને જૂનાગઢ એસ.ઓ.જી. ટીમે “સૌરાષ્ટ્ર એનવીરો પ્રોજેક્ટ પ્રા.લિ. કટારીયા, તાલુકો ભચાઉ, જીલ્લો કચ્છ” ખાતે તા. 25 ઓગસ્ટ 2025ના રોજ કાનૂની પ્રક્રિયા મુજબ મુદામાલનો નાશ કર્યો હતો.

નાશ કરાયેલા મુદામાલની વિગત નીચે મુજબ છે :

  • ગાંજો : 34.434 કિલો, કિમત ₹3,44,340

  • ચરસ : 216.51 ગ્રામ, કિમત ₹2,16,4920

  • મેડ્રોન ડ્રગ્સ : 80.343 કિલો, કિમત ₹1,20,51,450

  • કોડેઇન સિરપ બોટલ : 179 બોટલ, કિમત ₹34,010

કુલ મુદામાલની કિંમત ₹1,45,94,720 (એક કરોડ પિસ્તાલીસ લાખ ચોરાણું હજાર સાતસો વીસ)

આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક એ.એસ. પટણીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગઢવી સાથે પોલીસ હેડકોન્સ્ટેબલ પ્રતાપભાઈ શેખવા, પરેશભાઈ ચાવડા, બાલુભાઈ બાલસ તથા ડ્રાઈવર કોન્સ્ટેબલ પરબતભાઈ દિવરાણીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

નશીલા પદાર્થોના નાશની આ કામગીરીને કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે સશક્ત સંદેશો પહોંચ્યો છે તેમજ કાનૂની વ્યવસ્થાની કડકાઈ પણ સાબિત થઈ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ