જૂનાગઢ
રાજ્યના ગરીબ કલ્યાણ મેળાના ૧૪મા તબક્કા અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરની ઉપસ્થિતી માં સરદાર પટેલ સભાગૃહ, કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. આ મેળામાં ૩૯૪૧ વ્યક્તિગત લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત રૂપિયા ૭.૯૦ કરોડથી વધુની રકમની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર લાભાર્થીઓને સંબોધતા જૂનાગઢના સાંસદશ્રી રાજેશભાઈ ચૂડાસમાંએ જણાવ્યું હતું કે, ગામડાના લોકોનું જીવન ધોરણ કઈ રીતે સુધરે તેના માટે થઈ અને ગરીબ કલ્યાણ મેળા ની શરૂઆત તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૦૯ થી ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનો અભિનવ વિચાર આપેલો, તેમની પ્રેરણા અને માર્ગદર્શનમાં રાજ્યમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને સહાય-લાભ હાથોહાથ પહોચાડવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી આજે જનકલ્યાણનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે અને ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લાભાર્થીઓને લાભ આપવાની શરૂઆત કરી રહ્યા છે ત્યારે અહીં જૂનાગઢ જિલ્લા ખાતે ૩ હજારથી વધારે લાભાર્થીઓને લાભ આપવાનો છે. રાજ્યમાં આજે ગરીબ કલ્યાણ મેળા થકી સરકારની વિવિધ યોજનાઓના લાભ નાગરિકોને હાથોહાથ પહોંચાડીને, ગરીબોના જીવનમાં સૂર્યોદય લાવવાનું કામ થઈ રહ્યું છે. આ ગરીબ કલ્યાણ મેળાનું સુચારૂ આયોજન કરવામાં આવ્યુ તે બદલ જિલ્લા વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરે જિલ્લા વહિવટી તંત્રને અભિનંદન આપતા જણાવ્યુ હતું કે, સરકારી યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓને એક જ સ્થળેથી યોજનાના લાભો પારદર્શી રીતે મળી રહે, તેમને ક્યાંય ધક્કા ખાવા ન પડે તેના શુભ આશયથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળમાં ગરીબ કલ્યાણ મેળા શરૂ કરાવ્યા હતા. જેનો આજે ૧૪માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઈ રહ્યો છે, ત્યારે નોધારાનો આધાર એવો ગરીબ કલ્યાણ મેળો સાચા અર્થમાં હાથ ફેલાવવાની નોબત ન આવે તે માટે રાજ્ય સરકારે સામે ચાલીને ઘર-આંગણે આવીને, સહાય આપી આત્મનિર્ભર બનાવવાની મથામણ આદરી જેના લીધે આજે લાખો વંચિતો, ગરીબો અને જરૂરિયાત મંદોનો જીવનમા બદલાવ આવ્યો છે એટલુ જ નહી ગરીબો સ્વમાનભેર જીવન વ્યતિત કરે, સમતાવાન બને, ગરીબોના જિંદગીમાં ઉજાસ લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યુ છે.
આ અવસરે જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા એ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ નીચે આજે ૧૪ માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઈ રહ્યો છે. આ મેળા થકી ગરીબ વ્યકિત સરળતાથી આજીવિકા મેળવી આત્મનિર્ભર બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. ગુજરાતનો નાગરિક આત્મનિર્ભર બને, દેશ આત્મનિર્ભર બને તેવા કાર્યો કરવામાં આવી રહયાં છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી દરિદ્રનારાયણ, જરૂરિયાતમંદ લોકોને સહાય-લાભ હાથોહાથ પહોચાડવામાં આવી રહ્યા છે.
મુ્ખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ લોકોએ નિહાળ્યુ હતું. જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રવચન, રાજ્યના જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના પ્રવચનનું અહીં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ મેળામાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સિલાઈ મશીન, ડૉ સવિતાબેન આંતર જ્ઞાતિય લન્ન સહાય, ડૉ. આંબેડકર આવાસ યોજના સહાય, પંડીત દીનદયાળ આવાસ યોજના, વ્હાલી દીકરી યોજના, માનવ કલ્યાણની વિવિધ યોજનાની સહાય, ૧૦૦ ચોરસ વારના પ્લોટની સનદ, કૃત્રિમ બીજદાનથી જન્મેલી વાછરડીની પ્રોત્સાહન યોજના હેઠળ હેઠળ નાણાકીય સહાયનો હુકમ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્રના અથાગ મહેનત અને પરિશ્રમથી યોજાયેલ ૧૪માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમની શરૂઆતમાં જૂનાગઢ પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલએ ગરીબ કલ્યાણ મેળાની રૂપરેખા આપી હતી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મીરાબેન સોમપૂરાએ આભારવિધી કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિતીન સાંગવાન, મ્યુનિસીપલ કમિશ્નરશ્રી ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.એફ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પી.એ.જાડેજા સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મેળામાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ ની માહિતી આપતા વિવિધ સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ મહાનુભાવોએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને સરકારી યોજનાઓના સહાયની વિતરણની કામગીરીની સમીક્ષા કરી હતી અને લાભાર્થીઓ ને સરકારી યોજનાનો લાભો સરળતાથી મળે છે તે સુનિશ્ચિત કર્યું હતું. અહીં વિવિધ સ્ટોલ પર લાભાર્થીઓ યોજનાની સહાય માટેના ફોર્મ પણ ભરીને જમા કરાવતા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)