જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા ના અધ્યક્ષસ્થાને તાજેતરમાં થયેલા ભારે વરસાદની પરિસ્થિતિને લઈને જિલ્લા કક્ષાએ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમ્યાન દક્ષિણ સૌરાષ્ટ્ર સહિત જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદની સ્થિતિ, વરસાદને કારણે થયેલા નુકસાન તેમજ તાત્કાલિક હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટરશ્રીએ અધિકારીઓને નીચે મુજબની કામગીરી તાત્કાલિક હાથ ધરવા સૂચના આપી હતી:
ચેકડેમના તૂટેલા કે જર્જરિત પાળાની તાત્કાલિક રિપેરીંગ કામગીરી શરૂ કરવા.
તળાવો, નદી-નાળાની સફાઈ તેમજ રક્ષણાત્મક દીવાલના બાંધકામ પર ભાર આપવા.
ચેકડેમમાં પાણીનું સ્તર ચકાસવું અને કાંઠાવાળા વિસ્તારોમાં જર્જરિત મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી કરવી.
પ્રભાવિત વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ખેડૂતો-પશુપાલકોના નુકસાનના સર્વેને ઝડપથી પૂર્ણ કરવો.
પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે દવા વિતરણ તથા રસીકરણ કાર્ય હાથ ધરવું.
જર્જરિત શાળાઓના મકાનોની મરામત કરાવવી, વીજળીના પોળ અને વાયરિંગની મરામત સુનિશ્ચિત કરવી.
ઘરઘર જંતુનાશક દવાના છંટકાવ તેમજ ડીડીટી છંટકાવ કરાવવા.
ભયજનક વૃક્ષો તથા ડાળીઓ કાપવાની કામગીરી હાથ ધરવી.
પીવાના પાણીમાં નિયમિત ક્લોરીનેશન સુનિશ્ચિત કરવું.
નીચાણવાળા વિસ્તારોમાં સાયરન લગાવવાની યોજના કાર્યાન્વિત કરવી.
દરિયા કિનારે વસતા માછીમારોની હાલત તથા જોખમનું મૂલ્યાંકન કરવાની સૂચના આપવામાં આવી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.એસ. બારડ, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
🖊️ અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ