જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ કારતક સુદ-૧૧ ની મધ્યરાત્રીએ શ્રીફળ વધેરી પૂ. સાધુ સંતોની ઉપસ્થિતિમાં પાવનકારી ગિરનાર લીલી પરિક્રમા નો વિધિવત પ્રારંભ કરવ્યો હતો.ભવનાથ તીર્થક્ષેત્રના શ્રી હરગિરીબાપુ, શ્રી શેરનાથ બાપુ , શ્રી ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદ ગીરી બાપુ, શૈલજાદેવીજી, જયઅંબે ગીરી માતાજી, સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિ માં લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનશ્રી હરેશ પરસાણા, મહાનગરપાલિકાના કમિશનરશ્રી ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા, શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગિરનારની લીલી પરિક્રમાના શુભારંભ વેળાએ ભગવાન ગુરુ દત્તાત્રેયના સાનિધ્યે સાધુ સંતો પદાધિકારી અધિકારીઓએ દીપ પ્રાગટ્ય પણ કર્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, તા.૧૫ નવેમ્બર સુધી ચાલનારી આ પરિક્રમામાં સ્વયંભૂ રીતે લાખો ભાવિકો પધારે છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વીજળી,પાણી, સહિતની સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ખાસ કરીને ગિરનારની લીલી પરિક્રમા વન અને વન્યજીવોને નુકસાન ન થાય તે માટે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા બની રહે તેવો વહીવટી તંત્રનો આશય છે. આ માટે ૧૧ ટીમ બનાવવામાં આવી છે, તે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા રહે તે માટે કામગીરી કરશે. ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રિકો તરફથી પણ તંત્રને ખૂબ સહયોગ મળી રહ્યો છે. કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, સાધુ સંતોના આશીર્વાદ સાથે આ પાવનકારી પરિક્રમાનો પ્રારંભ થયો છે.આ પ્રસંગે એસઆરપી બેન્ડ દ્વારા પણ શૂર સુરાવલીઓ રેલાવવામાં આવી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)