જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ.ચૌધરીના અધ્યક્ષ સ્થાને પીએમ આદર્શ ગ્રામ યોજના કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. ગત બેઠકમાં સૂચિત કરવામાં આવેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સીતાણા ગામ અને ભેંસાણ તાલુકાના નવી ધારી ગુંદાળી ગામ આદર્શ ગામ તરીકે પસંદ કરવામાં આવી હોય તે ગામમાં કરવાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પસંદ કરવામાં આવેલા ગામ આદર્શ બની શકે તે માટે ગામ દીઠ રુ.૨૦ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હોય તેના અનુસંધાને બંને ગામમાં ગટર, આંતરિક રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટ, પાણી, આરોગ્ય, શિક્ષણ, સફાઈ અભિયાન, પ્રાથમિક શાળાના ટોયલેટ બ્લોક સહિતના વિકાસ કાર્યો અંગે ઘટતું કરવા સંબંધિત અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આદર્શ ગામ બનાવવાના હેતુથી ગામ લોકો સાથે પણ ચર્ચા કરવા જણાવ્યું હતું. ગામના વિકાસ માટે ગામ લોકોની રજૂઆત હોય તે માટે શું પગલાંઓ ભરી શકાય, ઉક્ત કામમાં ઈનપુટ આપવા વગેરે બાબતો ઉપર પણ ધ્યાન આપવા પણ નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સૂચવ્યું હતું.
અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)