જૂનાગઢ જિલ્લા વહિવટી તંંત્ર અને NDRF ટીમની માંગરોળ તાલુકાના ઘેડ પંથકના સંપર્ક વિહોણા ગામોની મુલાકાત.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં પડેલા અવિરત વરસાદના લીધે ઘણા ગામો સંપર્ક વિહોણા થતાં જોવા મળ્યા હતા, જેમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યુ હોવાથી વાહન અવરજવર થઈ શકે તેમ નથી ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ સંપર્ક વિહોણા ગામના લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરુપે માંગરોળ તાલુકામાં NDRF ની ટીમને સાથે રાખીને સંબંધિત અધિકારીઓ દ્વારા માંગરોળ તાલુકાના સંપર્ક વિહોણા ગામો જેવા કે મેખડી, સામરડા, ઘોડાદર સરમા તથા બગસરા ઘેડના અંતરિયાળ વિસ્તારમાં મુલાકાત લેવામાં આવી હતી.

આ પંથકમાં વાડી વિસ્તારમાં રહેતા લોકો સુધી NDRF ની બોટમાં જઈને તપાસ કરવામાં આવી હતી અને લોકોને સહાનુભૂતિ પૂર્વક મદદની જરુરિયાત હોય તો તેમના સુધી જઈ લોકો સુધી તમામ મદદ પહોંચાડવાની ખાતરી આપી હતી. અંતરિયાળ વિસ્તારમાં અંદાજે ૨૦૦ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા ગામ લોકોને જરુર જણાય ત્યારે તાલુકા ઈમરજન્સી સેન્ટરનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. આ મુલાકાત સમયે હાલમાં માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારના ગામો જે સંપર્ક વિહોણા છે તેમાં કોઈ મોટી જાનહાની કે અન્ય કોઈ સમસ્યા જોવા મળી ન હતી.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)