જૂનાગઢ જી.આઇ.ડી.સી.-૨ દોલતપરા વિસ્તારમાં લોલ નદી પ્રદૂષણ મામલે શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની કાયદેસરની કાર્યવાહી.

જૂનાગઢ જી.આઇ.ડી.સી.-૨ દોલતપરા વિસ્તારથી પસાર થતી લોલ નદીના પાણીમાં આછા ભુરા અને વાદળી રંગનું પ્રદૂષિત પાણી જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. આ મુદ્દે જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચના પો.ઇન્સ. જે.જે. પટેલ, પો.સ.ઇ. પી.કે. ગઢવી તથા સ્ટાફ પેટ્રોલિંગ દરમ્યાન નદીનું પ્રદૂષણ નજરે ચડતા સાવચેત તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે જી.આઇ.ડી.સી.-૨ સાબલપુર ખાતે આવેલી શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ (પ્લોટ નં. ૧૭૪૭) માંથી કોઇ મંજૂરી વિના તથા ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ પ્રોસેસ ફોલો કર્યા વગર સીધા પાઇપ મારફતે પ્લાસ્ટિક વેસ્ટનું કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું.

સંચાલક વિજયભાઈ પુનાભાઈ વાછાણી (ઉ.વ. ૬૦, રહે. નેહપાર્ક સોસાયટી, હર્ષવીલા A-4, જુનાગઢ) ને બોલાવી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ તથા પંચોની હાજરીમાં પ્રદૂષિત પાણીના નમૂના કબ્જે લેવાયા. કાયદેસરની કાર્યવાહી અંતર્ગત શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝના સંચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩, ૨૮૫ અને ૨૭૯ મુજબ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે.

કબ્જે કરાયેલ મુદ્દામાલની વિગત :

  • પાણી નિકાલ માટેનો પ્લાસ્ટિકનો પાઇપ – અંદાજે ૧૫૦ ફુટ

  • કીંમત – રૂ. ૧,૫૦૦/-

હાલમાં કબ્જે કરાયેલ મુદ્દામાલ સાથે આગળની તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ