જૂનાગઢની સુપ્રસિદ્ધ ડૉ. સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે સપ્તધારા અને સંસ્થાના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે ત્રણ દિવસીય યુવા પ્રતિભા શોધ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા આચાર્ય બલરામ ચાવડાએ પોતાના ઉદ્દબોધન દ્વારા જીવનને ઉત્સવ તરીકે જીવવાની ભવ્ય દૃષ્ટિ રજૂ કરી હતી.
તેઓએ યુવાઓમાં રહેલી આંતરિક શક્તિ અને છુપાયેલી પ્રતિભાને ઓળખી, તેને ઉજાગર કરવા શિક્ષણ સંસ્થાનું મહત્ત્વપૂર્ણ કર્તવ્ય હોવાનું કહ્યું હતું. આધુનિક જીવનમાં સુવિધાઓ વચ્ચે પણ જે આત્માને પ્રકાશિત કરે એજ સાચી પ્રતિભા હોવાનું સ્પષ્ટ કરતા તેઓએ ઉમેર્યું હતું કે, “પ્રતિભા પાસે બધું વામણું છે.” તેમણે સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં તેમને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવી તેવા આશીર્વાદ પણ આપ્યા હતા.
આ ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત દુહા છંદ, લોકગીત, ભજન, ક્વિઝ, ડિબેટ, વકૃત્વ, નિબંધ, રંગોળી, મહેંદી અને વાનગી જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજની વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધકોને સંસ્થા તરફથી પ્રમાણપત્રો અને પ્રોત્સાહક ઇનામો આપીને નવાજવામાં આવ્યા હતા.
આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને આગામી યુનિવર્સિટી યુવક મહોત્સવમાં પણ વધુ ઉર્જા અને ઉત્સાહ સાથે ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા અને સંસ્થાની તમામ પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગી થવા આહ્વાન પણ કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સંસ્થાના અધ્યાપક બહેનોના હાથે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ આધ્યસ્થાપક પૂજ્ય પેથલજી ભાઈના સ્મરણાંજલિ ગાન સાથે મંગલાચરણ થયું હતું.
આ સમગ્ર ઉપક્રમે સંસ્થાના વડા જવાહરભાઈ ચાવડા, મીતાબેન ચાવડા અને સંવેદનશીલ કર્મઠ રાજ ચાવડાએ હાજરી આપી સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમના સફળ સંચાલન માટે સંસ્થાના અધ્યાપક મંડળ તેમજ નોન-ટીચિંગ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન ડૉ. નયનાબેન ગજજરે ખૂબ જ સંવેદનશીલતાથી કર્યું હતું.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ