જૂનાગઢ પી.જી.વી.સી.એલ. દ્વારા લોકોને ઉત્તરાયણ પર્વ ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી વખતે જરૂરી સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. જૂનાગઢ પી.જી.વી.સી.એલ. દ્વારા સૂચનાઓ બહાર પાડી છે તે મુજબ પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારામાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર ચડશો નહીં, વીજળીના તાર કે કેબલને પણ અડકશો નહીં,વીજળીના વાયર કે તાર ઉપર પડેલા પતંગ લેવા લંગર નાખશો નહીં. તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતાં મોટા ભડાકા થવાની તાર તૂટી જવાની અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો ઉપકરણો વળી જવાની પણ સંભાવના રહે છે.
થાંભલા કે વીજળીના તારમાં અથવાતો વીજળીના તાર નજીકના ઝાડમાં અટવાયેલા પતંગ લેવા માટે તાર કે લોખંડના સળીયાનો ઉપયોગ જીવલેણ નીવડી શકે છે. ધાતુના તાર કે મેગ્નેટિક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહી, તેમ કરવાથી વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માતની સંભાવના છે. આમ નજીવી કિંમતના પતંગ માટે આપની અણમોલ કિંમતી જીદગી જોખમમાં ના મુકાય તેનો ખ્યાલ રાખો.ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહી, તેનાથી વીજળીના વાયર કપાઈ શકે છે, જેથી અંધારપટ તેમજ વીજ અકસ્માત થઈ શકે છે. વિજવાયરો પસાર થતા હોય તેની સાવ નજીક થી પતંગ ઉડાડશો નહી.
વીજ માળખાને લગતી કોઈ પણ ફરીયાદ નોંધવા માટે નીચેના ટોલ ફ્રી નંબર ૧૯૧૨૨ અથવા ૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૩ નો ઉપયોગ કરવો. આમ કોઈ અકસ્માત ન સર્જાય તેની સાવચેતી રાખશો તથા આપના બાળકોની સાથે રહી, સંપૂર્ણ સલામતી સાથે ઉત્તરાયણનો ઉત્સવ ઉમંગથી ઉજવવા જૂનાગઢ પી.જી.વી.સી.એલ. દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)