જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે વર્ગ-૪ ના કર્મયોગી ધીરુભાઈ વાજા તેમના વયનિવૃત્તિ પ્રસંગે સન્માનિત થયા હતા. તા. ૩૧-૦૮-૨૦૨૫ના રોજ નિવૃત્ત થતા તેમને કચેરીના તમામ સ્ટાફ સભ્યો દ્વારા શાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
શ્રી ધીરુભાઈ વાજાએ પોતાની ૩૫ વર્ષથી વધુની લાંબી સેવા દરમિયાન અમરેલી જિલ્લાના ખાંભાથી તા. ૦૨-૦૬-૧૯૯૦ના રોજ ફરજની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે અમરેલી, રાજુલા અને જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવી હતી. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ જૂનાગઢ જિલ્લા તથા પ્રાદેશિક માહિતી કચેરીમાં કાર્યરત રહ્યા હતા.
નિવૃત્તિ વિદાય પ્રસંગે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક નરેશ મહેતાએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, ધીરુભાઈએ ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે અને તેમના આગામી જીવન માટે સ્વસ્થ, નિરોગી અને સુખી રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. પ્રાદેશિક માહિતી કચેરીની ઇનચાર્જ સંયુક્ત માહિતી નિયામક સુશ્રી દિવ્યાબેન છાટબારે પણ વાજાને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ધીરુભાઈ વાજાએ પોતાના સહકર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જુના સંસ્મરણો યાદ કરતાં જણાવ્યું હતું કે, જૂનાગઢમાં આવ્યા પછી તેઓએ અને તેમના પરિવારે જીવનમાં વિશેષ પ્રગતિ કરી છે અને સેવા દરમ્યાન સંતોષની લાગણી અનુભવી છે.
વિદાય સમારોહ દરમિયાન સહકર્મચારીઓ ભૂપત જાદવ, ભાલચંદ્ર વિંઝુડા, જલકૃતિ મહેતા, તુષારદાન ગઢવી, રૂકસાનાબેન કુરેશી, ચિરાગ પટેલ, રાહુલ હેરભા, ચંદુ સોલંકી, જય ભટ્ટ, એજાજ અબડા સહિતના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ