ગુજરાત રાજ્યના પોલીસ વડાની સૂચના હેઠળ અસામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલી કડક કામગીરી અંતર્ગત, જુનાગઢ જિલ્લામાં બી ડિવિઝન પોલીસ દ્વારા મોટો પગલુ લેવામાં આવ્યું છે. જુનાગઢ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ૬ મહિનાની મુદત માટે હદપાર કરાયેલા ઇસમ એજાજશા ઉર્ફે એજલો ઇસ્માઈલશા રફાઈ સામે પગલાં લેવાયા છે, જે હદપારના હુકમનો ભંગ કરીને જુનાગઢ રેલવે સ્ટેશન નજીક જાહેર જગ્યાએ ફરતો મળી આવ્યો હતો.
પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ, બી ડિવિઝનના ઈન્સ્પેક્ટર એ.બી. ગોહીલની આગેવાનીમાં પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીદારે આ માહિતી આપી હતી. મળેલી ચોકસાઈથી પોલીસ કોન્સ. જેઠાભાઈ કોડીયાતર અને કરશનભાઈ ભારાઈએ ત્વરિત કાર્યવાહી કરીને શખ્સને પકડી પાડી કાયદેસર પગલાંરૂપે ગુજરાત પોલીસ એક્ટ કલમ-૧૪૨ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
પકડી પાડવામાં આવેલ એજાજશા (ઉ.વ. ૩૦) જુનાગઢના સુખનાથ ચોકના રહેવાસી છે. અગાઉ તેમને કેસ નં.૦૪/૨૦૨૫ હેઠળ તા. ૧૬/૦૬/૨૦૨૫ના રોજ હદપાર કરવામાં આવ્યા હતા. જોકે, તેમણે આ ફરમાનનું ઉલ્લંઘન કર્યું હતું.
આ કામગીરીમાં પો.હે.કો. પરેશભાઈ હુણ, કૈલાસભાઈ જોગીયા, રવિન્દ્રભાઈ વાંક, મુકેશભાઈ મકવાણા, ભુપતભાઈ ધુળા સહિતની ટીમે પ્રશંસનીય ભાગ ભજવ્યો હતો.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ